રાજકોટ
News of Monday, 27th July 2020

વિજયભાઈનું નામ વટાવતા યુવાનને બોધપાઠ આપી દાખલો બેસાડયો

માત્ર સંવેદનશીલ નહિ, સખ્ત અને શિસ્તપ્રિય મુખ્યમંત્રી

રાજકોટઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોતાનાં સંવેદનશીલ અભિગમ માટે જાણીતા છે. પરંતુ સમાજનાં વિશાળ હિતમાં જયારે જયારે જરૂર ઉભી થાય ત્યારે તેઓ ત્રીજું નેત્ર ખોલી શકે છે. ગઈકાલે રાજકોટમાં બનેલાં આવા જ એક બનાવ બાબતે શ્રી રૂપાણીએ સખ્ત અભિગમ અપનાવ્યો હતો.

વાત એમ બની હતી કે, રાજકોટમાં સાયકલિંગ કરવા નીકળેલી એક છોકરી સાથે એક યુવાને વાહન અથડાવ્યા બાદ દિલગીરી વ્યકત કરવાને બદલે બેફામ અપશબ્દોના પ્રયોગ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેના માસા હોવાનું જણાવી અસભ્ય વર્તન કરતો વિડિઓ વાયરલ થયો હતો. આ વિડીયો મુખ્યમંત્રી સુધી પહોંચતા તેમણે મુખ્યમંત્રી સહિતના આગેવાનોના નામનો ખોટો ઉપયોગ કરવા બદલ પેલા યુવાન સામે તાકીદે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને જણાવ્યું હતું , પોલીસ કમિશનર દ્વારા વાયરલ વિડિઓ અંગેની તમામ હકીકતો મેળવી વિવિધ ટીમોને કામે લગાડી આરોપી યુવાનને શોધી કાઢ્યો હતો અને તેની સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પણ આ રીતે મુખ્યમંત્રીના નામનો ગેરઉપયોગ કરવા સામે નારાજગી દર્શાવવામાં આવી હતી. આમ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ફરી એક વખત એક અલગ જ પ્રકારનું ઉદાહરણ બેસાડયું હતું.

(2:50 pm IST)