રાજકોટ
News of Monday, 27th July 2020

રાજકોટથી ૧ર હજારથી વધુ રાખડી દેશભરમાં મોકલતું પોસ્ટલ તંત્ર

રોજની ૧ર૦૦ થી ૧પ૦૦ રાખડીઓ જાય છેઃ સ્પે. પીકઅપવાન ભાડે રાખી દેશભર માટે ખાસ ચેનલ ગોઠવી : શહેરમાં ૪ થી પ સ્થળોએ રાખડી સ્વીકારવા ખાસ વ્યવસ્થા પણ ગોઠવાઇઃ હેડ પોસ્ટ ઓફીસ ખાતે રાઉન્ડ ધ કલોક કામગીરી

રાજકોટ તા. ર૭: આગામી તા. ૩ ઓગષ્ટે સોમવારે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, બેન પોતાના ભાઇને રાખડી બાંધવા માટે થનગની રહી છે.

રાજકોટથી દેશભરમાં રાખડી મોકલવા અંગે પોસ્ટ વિભાગ એક અતિ ઉત્તમ સાધન છે.

પોસ્ટલ તંત્રે દેશબહાર મોકલવા તા. રપ જૂલાઇ સુધી ચતો દેશમાં જ મોકલવા તા. ર૭ જુલાઇ આજ સુધી સ્પેશીયલ વ્યવસ્થા કરી છે, જો કે ત્યારબાદ પણ બહેનો રાખડી મોકલી શકે છે તેવ ી સ્પષ્ટતા પણ કરી છે.

રાખડી માટે પોસ્ટલ તંત્રે સાદા કવર, સ્પીડ પોસ્ટ અને રજીસ્ટર એડી. એમ ત્રણ પ્રકારે મોકલી શકાશે તેમ જણાવ્યું છે.

દરમિયાન આજે રાજકોટ પોસ્ટલ તંત્રના ઉચ્ચ અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટથી સૌરાષ્ટ્ર-કચ્છમાં, ગુજરાતના શહેરોમાં અને ગુજરાત બહાર રાખડી મોકલવા અંગે ૧૦ દિવસથી ભારે ધસારો ઉદ્દભવ્યો છે, આ માટે હેડ પોસ્ટ ઓફીસ ઉપરાંત ધારેશ્વર-ભકિતનગર ચોક, શાક મારકીટ સહિત કુલ પ જેટલા અન્ય વિસ્તારોમાં પણ પોસ્ટલ તંત્રના અધીકારીઓ દ્વારા સ્પેશીયલ કર્મચારીઓ એક-એક કલાક ઉભા રાખી ખાસ રક્ષાબંધન કવર સ્વીકારવા વ્યવસ્થા કરાઇ છે.

અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૧૦ થી ૧ર દિવસમાં રાજકોટથી ગુજરાતમાં અને ગુજરાત બહાર અંદાજે ૧૦ થી ૧ર હજાર કે તેથી વધુ રાખડીઓ મોકલાઇ છે, રોજની હાલ ૧ર૦૦ થી ૧પ૦૦ રાખડીઓના કવર આવી ગયા છે.આ રાખડીઓ મોકલવા માટે સ્પીડ પોસ્ટ-રજીસ્ટર એડી. અને સાદા કવર તથા રક્ષાબંધનના સ્પે. કવરનો લોકો ખાસ ઉપયોગ કરી રહ્યા છે.

(2:49 pm IST)