રાજકોટ
News of Monday, 27th July 2020

રાજકોટથી રાા લાખ મજુરો પહેલા ગયા...હવે ૧૦ હજારથી વધુ આવ્યાઃ તમામની માહિતી - રીપોર્ટ મંગાવતા કલેકટર

શાપર-વેરાવળ-બીલ્ડર લોબી-મેટોડા GIDC સહિતના વિસ્તારોમાં ફરી પરપ્રાંતિય મજૂરોનો ધમધમાટ : રહેવાની વ્યવસ્થા-મેડીકલ ચેકઅપ-અનલોકના નિયમો સહિતની બાબતો ખાસ ચકાસવા આદેશો...

રાજકોટ તા. ર૭: લોકડાઉન દરમિયાન રાજકોટ શહેર-જીલ્લામાંથી કલેકટર તંત્રે ટ્રેનો-બસો મારફત અંદાજે રાા લાખ મજૂરોને તેમના વતન રાજસ્થાન, બંગાળ, ઓરીસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વિગેરે રાજયોમાં મોકલી આપ્યા હતા.

આ પછી અનલોક-૧, અનલોક-ર આવ્યા, અને હવે અનલોક-૩ આવવાની તૈયારીમાં છે.

દરમિયાન લોકડાઉન ખુલતા રાજકોટ જીલ્લામાં બિલ્ડીંગ-કન્સ્ટ્રકશન ક્ષેત્રે તથા ઔદ્યોગિક ક્ષેત્રે ધમધમાટ શરૂ થયો છે, પરંતુ મજૂરોના અભાવે ઉત્પ)દન અને અન્ય કામગીરી ઉપર અસર પડી છે.

બીજી બાજુ વતનમાં ગયેલા હજારો મજૂરોને તેમના વતનમાં રોજગારીનો પ્રોબ્લેમ ઉભો થયાનું બહાર આવ્યું છે. પરીણામે ફરી મજૂરો રાજકોટ તરફ વળ્યા છે, અને મળતલી વિગતો મુજબ છેલ્લા એક મહિનામાં ૧૦ હજારથી વધુ મજુરો રાજકોટમાં પરત આવ્યાનું બહાર આવ્યું છે.

પરીણામે આ તમામ મજૂરો અંગેની સંપૂર્ણ માહિતી કલેકટરે સંપૂર્ણ રીતે રીપોર્ટ સાથે મંગાવી છે, આજે દરેક પ્રાંત-મામલતદારોને કલેકટરે આદેશ કરી તેમના વિસ્તારમાં કુલ કેટલા મજૂરો આવ્યા કયાં કામ કરે છે, પરિવાર સાથે છે કે કેમ, આ લોકોનું મેડીકલ ચેકઅપ, સોશ્યલ ડીસ્ટન્સ-માસ્ક, રહેવાની-જમવાની વ્યવસ્થા સહિતની તમામ વિગતો મંગાવી છે, અત્રે એ નોંધનીય છે કે શાપર-વેરાવળ-રાજકોટ શહેર અને બહાર ચાલતી બાંધકામ સાઇટો-મેટોડા જીઆઇડીસી, આજી  જીઆઇડીસી સહિતના ક્ષેત્રોમાં હાલ પર પ્રાંતિય મજૂરો ફરી આવ્યાનું બહાર આવ્યું છે.

(2:49 pm IST)