રાજકોટ
News of Monday, 27th July 2020

કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાંથી બે રીઢા તસ્કર ભાગી ગયા

ક્રાઇમ બ્રાંચે પકડીને કુવાડવા પોલીસને સોંપ્યા'તાઃ કોરોના રિપોર્ટ માટે દાખલ કરાયા હતાં : ચોટીલાનો હરસુખ ઉર્ફ પોપટ વાજેલીયા (દેવીપૂજક) અને વિક્રમ ઉર્ફ વિકીડો વાજેલીયા (દેવીપૂજક) રાત્રે પોઝિટિવ જાહેર થતાં ત્રીજા માળેથી છનનન થઇ ગયાઃ કુવાડવા પોલીસની દોડધામ : સિવિલના કોવિડ સેન્ટરમાંથી ભાગેલા બંને કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતાં આ શખ્સો કોઇને જોવા મળે તો તુરત જ પોલીસ કન્ટ્રોલ રૂમને ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ અથવા ૧૦૦ નંબર ઉપર જાણ કરવી

રાજકોટ તા. ૨૭: ક્રાઇમ બ્રાંચે ત્રણ દિવસ પહેલા  ચોટીલાના બે રીઢા તસ્કર દેવીપૂજક શખ્સોને પકડી લીધા હતાં. બાદમાં આ બંનેનો કબ્જો કુવાડવા પોલીસને સોંપવામાં આવ્યો હતો. બંનેના કોરોના રિપોર્ટ કરાવવા સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા હતાં. અહિથી આ બંને રાત્રીના ભાગી જતાં દોડધામ મચી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ચોટીલામાં ભારત પંપ પાસે રહેતા અને હાલ રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસે ઝૂપડામાં ધામા નાંખી પડ્યા પાથર્યા રહેતાં હરસુખ ઉર્ફ પોપટ શંભુભાઇ વાજેલીયા (ઉ.વ.૩૦) તથા વિક્રમ ઉર્ફ વિકીડો મસાભાઇ વાજેલીયા (ઉ.વ.૨૫)ને ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. શકિતસિંહ ગોહિલની બાતમી પરથી માલિયાસણના પાટીયેથી પ્લેટીના બાઇક જીજે૦૩બીએન-૬૮૦૨ સાથે પકડી પોકેટકોપ એપ્લીકેશનમાં ચેક કરતાં આ બાઇકના માલિક અન્ય કોઇ માલુમ પડતાં બંનેની આકરી પુછતાછ કરતાં બાઇક કુવાડવા પોલીસની હદમાંથી ચોરી કર્યાનું કબુલતાં બંનેને અટકાયતમાં લેવાયા હતાં.

આ બંને પાસેથી આઠ મોબાઇલ ફોન રૂ. ૭૫ હજારના, ૨૫ હજારનું બાઇક તથા રોકડા રૂ. ૨૦ હાજર કબ્જે કરાયા હતાં. બંને રેકી કર્યા બાદ બંધ કારખાનાઓ અને મકાનોમાં ચોરીઓ કરવાની ટેવ ધરાવતાં હતાં. ચોરી કરતાં પહેલા તે બાઇકની ઉઠાંતરી કરતાં અને પછી જે તે મકાન કે કારખાનામાં ત્રાટકી ચોરી કર્યા બાદ ચોરેલુ બાઇક રેઢુ મુકી દેતાં હતાં. આ બંનેએ ચોરીના ત્રણ ગુનાની કબુલાત આપી હતી. આ ઉપરાંત અગાઉ રાવકીમાં કારખાનામાં, પડવલામાં કારખાનામાં, રણુજા મંદિર પાસે વાહન ચોરી, કાંગસીયાળીમાં કારખાનામાં ચોરી સહિતના ગુના આચર્યા હતાં.

અગાઉ જુનાગઢ જીલ્લા, કેશોદ, રાજકોટ ભકિતનગર, રાજકોટ ગ્રમ્ય, મોરબી, સહિતના શહેરોમાં આઠથી વધુ ગુનામાં આ બંને સંડોવાઇ ચુકયા હતાં. બંનેને પકડ્યા બાદ કુવાડવા પોલીસે ચોરીના ગુનામાં કબ્જો સંભાળ્યો હતો. જો કે કોરોના રિપોર્ટ બાકી હોઇ ધરપકડ કરવાની બાકી હતી. બંનેને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતાં અને સેમ્પલ લેવાયા હતાં. ગઇકાલે રાતે બંનેના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતાં. દરમિયાન રાત્રે આ બંને તક જોઇ કોવિડ સેન્ટરના ત્રીજા માળેથી છનનનન થઇ ગયા હતાં.

આ બંને આરોપીના સંપર્કમાં આવેલા  કુવાડવા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ સતિષભાઇ લાવડીયા, રાજાભાઇ તથા એક જીઆરડીને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ ભાગી ગયેલા બંનેને ઝડપી લેવા કુવાડવા પોલીસે દોડધામ આદરી છે.

કોરોના દર્દીઓનાં નામ-સરનામાં જાહેર કરોઃ લોક માંગણી

રાજકોટઃ આજથી મ્યુ.કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓનાં નામ-સરનામાં જાહેર નહિ  કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોમાં આ બાબતે કચવાટ ફેલાયો છે.કેમ કે આવી બાબત જાહેર ન થતા લોકોને કોરોના સંક્રમણ અંગે સાવચેતી રાખવાની ખબર જ નપડે માટે જો કોરોના પોઝિટિવ આવનાર દર્દીનાં વિસ્તાર જાહેર થાય તો લોકોને આ વિસ્તારમાં સાવચેની રાખવાની ખબર પડે માટે  તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓનાં વિસ્તાર જાહેર થવા જોઇએ તેવી લોક માંગ ઉઠી છે.

(3:17 pm IST)