રાજકોટ
News of Monday, 27th July 2020

કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં ૮ ચોપડી પાસ કોલકત્તાનો નીપુ મલિક એક વર્ષથી 'ડોકટર' બની પ્રેકટીસ કરતો'તો

પહેલા એસઓજી, પછી ક્રાઇમ બ્રાંચ અને હવે આજીડેમ પોલીસે દબોચ્યો 'મુન્નાભાઇ એમબીબીએસ' : ૯*૯ની ઓરડીમાં એક વર્ષથી દવાખાનુ ચાલુ કર્યુ હતું : આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી. જે. ચાવડા અને ટીમનો એએસઆઇ આર. જે. જાડેજા તથા જયપાલભાઇ બરાળીયાની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૨૭: શહેરમાં નકલી ડોકટરોનો રાફડો ફાટ્યો હોય તેમ પખવાડીયામાં ત્રીજો નકલી ડોકટર ઝપટે ચડ્યો છે. અગાઉ શહેર એસઓજીએ, એ પછી ક્રાઇમ બ્રાંચે અને હવે આજીડેમ પોલીસે નકલી ડોકટરને દબોચી લીધો છે. મુળ કોલકત્નાનો ૮ ચોપડી ભણેલો શખ્સ એકાદ વર્ષથી કોઠારીયા સોલવન્ટ શિતળાધાર વિસ્તારમાં ૯*૯ની ઓરડીમાં દવાખાનુ ધમધમાવતો હતો. તેને આજીડેમ પોલીસે દબોચી લઇ તબિબી પ્રેકટીશના સાધનો, એલોપેથિક દવાઓ, ગ્લુકોઝના બાટલાઓ સહિતનો જથ્થો કબ્જે કરી વિશેષ પુછતાછ હાથ ધરી છે.

આજીડેમના એએસઆઇ રવિરાજસિંહ જે. જાડેજા અને કોન્સ. જયપાલભાઇ બરાળીયાને મળેલી બાતમી પરથી પીઆઇ વી. જે.ચાવડા, યોગેન્દ્રસિંહ ઝાલા, કાનજીભાઇ જારીયા અને ભીખુભાઇ મૈયડે કોઠારીયા સોલવન્ટ શિતળાધાર ૨૫ વારીયામાં હનુમાનજીના મંદિર નજીક એક નામ વગરના કિલનીકમાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક શખ્સ ડીગ્રી વગર ડોકટર બની કિલનીક ચલાવતો મળી આવ્યો હતો. તેની પાસે કોઇ જ તબિબી ડીગ્રી નહિ હોવાની ખાત્રી બાદ તેની સામે મેડિકલ પ્રેકટીશનર એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પોલીસે દરોડો પાડ્યો ત્યારે આ શખ્સ ખુરશી પર બેસી ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને બેઠો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ નીપુ કુમોદરંજન મલિક (ઉ.વ.૪૩-રહે. શિતળાધાર ૨૫ વારીયા, મુળ કોલકત્તા) જણાવ્યું હતું. ઓરડીમાં ધમધમતા દવાખાનામાંથી પોલીસે સ્ટેથોસ્કોપ, ચાર્જીંગવાળી બેટરી, કાતર, બીપી ચેક કરવાનું મશીન, ગ્લુકોઝના બાટલા, દવાઓ, ઇન્જેકશન, આઇવી સેટ, ઓઆરએસ પાવડર સહિત ૬૩થી વધુ ડોકટરીને લગતી ચીજવસ્તુઓ કબ્જે કરી હતી. આ ચીજવસ્તુની કિંમત રૂ. ૧૦૨૫૭ ગણવામાં આવી હતી.

પ્રાથમિક પુછતાછમાં નિપુ  મલિકે પોતે એકાદ વર્ષથી આ દવાખાનુ ચલાવતો હોવાનું રટણ કર્યુ હતું. અગાઉ કોલકત્તા રહેતો હતો ત્યાં કોઇ ડોકટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કર્યુ હોઇ અનુભવ હતો. તેના આધારે નકલી ડોકટર બની ગયો હતો અને દવાખાનુ ધમધમાવતો હતો. (૧૪.૭)

(2:44 pm IST)