રાજકોટ
News of Monday, 27th July 2020

જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ...

દવા લેવા નીકળેલા હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ એરપોર્ટ ફાટક પાસે બાઇક સહિત પટકાતા જિંદગીની સફરનો અંત

પીઆઇ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં હતાં: ચાલુ નોકરીએ તબિયત બગડતાં પોલીસ સ્ટેશનેથી હોસ્પિટલે જવા નીકળ્યા પણ પહોંચી ન શકયાઃ મારૂતિનગર પોલીસ લાઇનમાં રહેતાં પરિવારજનોમાં કલ્પાંતઃ ગાર્ડ ઓફ ઓનર અપાયું

રાજકોટ તા. ૨૭: જિંદગીની સફરનો અંત કયારે કયાં અને કેવી રીતે આવી જાય તેની કાળા માથાના માનવીને ખબર પડતી નથી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીઆઇના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં હેડકોન્સ. અશ્વિનભાઇ પોપટભાઇ મદ્રેસાણીયા (કોળી) (ઉ.વ.૫૨) સાથે આવુ જ કંઇક બની ગયું છે. સવારે પોલીસ સ્ટેશને ફરજ પર હતાં ત્યારે તબિયત બગડી હોઇ સિવિલ હોસ્પિટલે દવા લેવા જવા પોતાના બાઇક પર નીકળ્યા હતાં. એરપોર્ટ ફાટક નજીક પહોંચ્યા ત્યારે ચક્કર આવી જતાં બાઇક સહિત પટકાતાં પ્રાણ પંખેરૂ ઉડી જતાં પરિવારજનો અને પોલીસબેડામાં તથા સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

અશ્વિનભાઇ બાઇક પરથી પટકાતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતાં એસીપી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ પટેલ, રાઇટર હેડકોન્સ. હીરાભાઇ રબારી તથા બીજા અધિકારીઓ, કર્મચારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. મૃત્યુ પામનાર અશ્વિનભાઇ મદ્રેસાણીયા મુળ વાંકાનેરના વતની હતાં. તેઓ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. તેમના મોટા ભાઇ વાંકાનેર પાણી પુરવઠામાં ફરજ બજાવે છે.

અશ્વિનભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર વિશાલ ગેસ કંપનીમાં કામ કરે છે. દિકરીના લગ્ન થઇ ગયા છે. ખુબ જ હસમુખા અને મળતાવડા સ્વભાવના અશ્વિનભાઇ પોતાના સરળ સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં હતાં અને જ્યાં નોકરી કરતાં ત્યાં સારી ચાહના મેળવતા હતાં. અગાઉ એ-ડિવીઝન અને પ્ર.નગરમાં ફરજ બજાવી ચુકયા હતાં. હાલમાં ગાંધીગ્રામમાં પીઆઇ કે. એ. વાળાના ડ્રાઇવર તરીકે ફરજમાં હતાં. બનાવને પગલે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ચાલુ ફરજ પર અવસાન થયું હોઇ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તસ્વીરોમાં અશ્વિનભાઇ કોઇ પ્રસંગે મોબાઇલમાં હાથમાં મીણબત્તી પ્રગટાવી પ્રકાશ રેલાવતાં અને બીજી તસ્વીરમાં ગન સાથે તથા ત્રીજી તસ્વીમાં પીઆઇ એસ. એન. ગડ્ડુ સાથે ખુશખુશાલ નજરે પડે છે. તમામ પોલીસબેડાએ અશ્વિનભાઇને શોકાંજલી આપી હતી.

(1:05 pm IST)