રાજકોટ
News of Monday, 27th July 2020

૧૩.૬૦ લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

પોલીસે પહેલા ખાનામાં જોયું તો કંઇ નહોતું: અંદર ઉતરી બીજા ખાનાઓ તપાસતા ૩૪૦૦ બોટલ દારૂ મળ્યો : સરધારથી હરિપર જવાના રસ્તે વીહાભાઇની વાડી પાસે મોડી રાતે 'કટીંગ' વખતે દરોડોઃ નાસભાગઃ ચાર કાર, બે બાઇક મુકી બુટલેગરો ભાગ્યાઃ રાજસ્થાની શખ્સ અને સરધારના મજૂરની ધરપકડઃ કુલ રૂ. ૩૧,૧૦,૭૦૦નો મુદ્દામાલ કબ્જે : ક્રાઇમ બ્રાંચના મહેશભાઇ મંઢ, દિપકભાઇ ડાંગર અને હિરેનભાઇ સોલંકીની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવી અને પીએસઆઇ એસ. વી. સાખરા તથા ટીમે દરોડો પાડી મોટો જથ્થો પકડ્યો

રાજકોટ તા. ૨૭: દારૂની ફરીથી રેલમછેલ કરવા બૂટલેગરો તૈયાર થઇ ગયા છે. શહેર ક્રાઇમ બ્રાંચે મોડી રાતે સરધારથી હરિપર જવાના રસ્તે 'કટીંગ' વખતે જ દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે રૂ. ૧૩,૬૦,૦૦૦નો ૩૪૦૦ બોટલ ભરેલુ ટેન્કર પકડી લઇ આ ટેન્કર લઇને આવેલા રાજસ્થાની શખ્સ તથા સરધાર રહેતાં અને માલ ઉતારવા આવેલા એક મજૂરને પકડી લીધો હતો. બૂટલેગરો ચાર કાર, બાઇક મુકીને ભાગ્યા હતાં. પોલીસે દારૂ, ટેન્કર, ચાર કાર, બાઇક મળી કુલ રૂ. ૩૧,૧૦,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ એસ. વી. સાખરા, કોન્સ. મહેશભાઇ મંઢ, દિપકભાઇ ડાંગર અને હિરેનભાસ સોલંકીને પાક્કી બાતમી મળી હતી કે સરધારથી હરિપર જવાના રસ્તે દારૂનું કટીંગ થઇ રહ્યું છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે જીજે૦૨ઝેડ-૪૦૯૪ નંબરનું ટેન્કર લઇને આવેલા રાજસ્થાનના જાલોર જીલ્લાના ચિતલવાના તાબેના દાવલ ગામના માંગીલાલ પ્રહલાદજી બિશ્નોઇ (ઉ.વ.૪૫) તથા સરધારના મજૂર ભગા મોહનભાઇ સોલંકી (ઉ.વ.૫૫)ને પકડી લીધા હતાં.

બાકીના શખ્સો ચાર કાર, એક બાઇક સહિતના વાહનો મુકી અંધારાનો લાભ લઇ ભાગી ગયા હતાં. કેમિકલ કે ઓઇલની હેરફેર માટે વપરાતા ટેન્કરના પ્રથમ ખાનાને ખોલીને પોલીસે જોતાં અંદર કંઇ જ નહોતું. આથી પોલીસ કર્મચારીઓએ અંદર ઉતરી તપાસ કરતાં આ ખાનામાંથી બીજા ખાનાઓમાં જવાનો રસ્તો હતો. તેનો દરવાજો ખોલીને જોતાં અંદરથી અધધધ ૩૪૦૦ બોટલ અલગ-અલગ બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત રૂ. ૧૩,૬૦,૦૦૦ થાય છે.  દારૂ, ટેન્કર, તથા કવોલીશ કાર જીજે૦૧એચડી-૩૩૩૯, ટાટા સુમો જીજે૧૩એનએન-૦૦૩૭, ઓપ્ટ્રા કારજીજે૦૪એપી-૨૬૨૦,ઝેન કાર જીજે૦૩કે-૪૯૩૯ તથા બાઇક જીજે૦ઇજી-૫૫૪ તથા જીજે૦૩એલઇ-૧૫૧૮ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૧,૧૦,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. દારૂ કોણે મંગાવ્યો હતો? કોણ-કોણ કટીંગ કરવા આવ્યું હતું? કબ્જે થયેલી કાર કોની-કોની? તે સહિતના મુદ્દે પીએસઆઇ એસ.વી. સાખરા વધુ તપાસ કરે છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, ધીરેનભાઇ માલકીયા, મોહસીનખાન, હિરેનભાઇ સોલંકી, મહેશભાઇ મંઢ, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે  મહેશભાઇ, દિપકભાઇ અને હિરેનભાઇની બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

(2:45 pm IST)