રાજકોટ
News of Monday, 27th June 2022

આર્થિક, શારીરિક, સામાજીક, પાયમાલી નોતરતી ડ્રગ્‍સની કુટેવથી દુર રહોઃ વિદ્યાર્થીઓને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની હાકલ

ઇન્‍ટરનેશનલ ડે અગેઇન્‍સ્‍ટ ડ્રગ એબ્‍યુઝ એન્‍ડ ઇલીસીટ ટ્રાફીકીંગ અંતર્ગત આત્‍મીય કોલેજમાં ડ્રગ્‍સ વિરોધી જાગૃતી અભિયાન સેમીનાર યોજાયો : ડ્રગ્‍સ તથા નશીલા પદાર્થનું સેવન ફકત તમને જ નહી, તમારા પરિવારને પણ બરબાદ કરે છેઃ રાજકોટ પોલીસે વિદ્યાર્થીઓને ઢંઢોળવા આપ્‍યું સુત્ર : તા.૧ર થી ર૬ જુન દરમિયાન ડ્રગ્‍સ વિરોધી રેલી, નાટકો, વિશાળ સ્‍ક્રીનો ઉપર ડ્રગ વિરોધી સ્‍લાઇડો મુકી યુવાનોને-પ્રજાને જાગૃત કરતા કાર્યક્રમો યોજાયાઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ

રાજકોટ, તા., ૨૭: આર્થીક, શારીરીક, સામાજીક, પાયમાલી નોતરતી ડ્રગ્‍સની કુટેવથી દુર રહેવા વિદ્યાર્થીઓને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે હાકલ કરી હતી. ગઇકાલે તા.ર૬ જુનના આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ  ડ્રગ્‍સ અને નશીલા પદાર્થો સામે ચાલી રહેલી ઝુંબેશનો દિવસ ‘ઇન્‍ટરનેશનલ ડે અગેઇન્‍સ્‍ટ ડ્રગ એબ્‍યુઝ એન્‍ડ ઇલીસીટ ટ્રાફીકીંગ' હતો. આ સંદર્ભે વિદ્યાર્થીઓને જાગૃત કરવા   આત્‍મીય કોલેજમાં યોજાયેલા  સેમીનારને શ્રી ભાર્ગવ સંબોધી રહયા હતા.

નવનિયુકત પોલીસ કમિશ્નર ભાર્ગવે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળતાની સાથે જ નશીલા દ્રવ્‍યો સામેની ઝુંબેશ  ચલાવવા આદેશ કર્યો હતો. માધ્‍યમો સાથેની વાતચીતમાં યુવાનોને અંધકારની ગર્તામાં ધકેલી દેતી આ કુટેવ સામે ભારોભાર ચિંતા વ્‍યકત કરી પોલીસ દ્વારા ડ્રગ પેડલરો  સામે સખ્‍ત કાર્યવાહીનો નિર્દેશ પણ આપ્‍યો હતો.

રાજકોટ શહેરમાંથી નાર્કોટીકસની બદી સંપુર્ણ નેસ્‍તનાબુદ કરવા માટે શહેરના યુવાધનમાં આ દુષણ પ્રવેશે નહિ તે માટે જાગૃતતા કેળવવા આત્‍મીય કોલેજમાં આ સેમીનારનું આયોજન ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સેમીનારમાં પ૦૦ થી વધુ સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહયા હતા. જેમને ડ્રગ્‍સ સેવનથી થતી ગંભીર નુકશાનીઓથી  અવગત કરી આ કુટેવથી જોજનો દુર રહેવા સમજાવાયા હતા. સેમીનારને પોલી કમિશ્નર શ્રી રાજુભાર્ગવ, ડીસીપી શ્રી પાર્થરાજસિંહ ગોહીલ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પુર્વ વાઇસ ચાન્‍સેલર શ્રી વિજય દેશોણી,  ૈિવરાણી સાયન્‍સ કોલેજના પ્રિન્‍સીપાલ શ્રી કે.ડી.લાડવા,  આત્‍મીય કોલેજ રાજકોટના ડો.શ્રી મીનુભાઇ જસદણવાલા અને મૌલીકભાઇ ગોંધીયાએ સંબોધ્‍યો હતો.

આવતી ૧ર મી જુનથી ર૬ જુન દરમિયાન પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલા દ્વારા જુદી-જુદી શાળાઓ અને કોલેજમાં ડ્રગ વિરોધી જાગૃતી અભિયાન હાથ ધરાયું હતું. ઇન્‍દુભાઇ પારેખ એન્‍જીનીયરીંગ કોલેજ, કાલાવડ રોડ,  ક્રાઇસ્‍ટ સ્‍કુલ એન્‍ડ કોલેજ, મુંજકા, ડીએચ કોલેજ ડો.યાજ્ઞીક રોડ અને આઇસીઇ કલાસીસ એસ્‍ટ્રોન ખાતે આ દિવસો દરમિયાન તબક્કાવાર સેમીનારો અને જાગૃતી ફેલાવતા નાટકો પ્રસ્‍તૃત કરવામાં આવ્‍યા હતા.  આ ઉપરાંત કોઠારીયા રોડ, આનંદનગર ખાતે આવેલી શુભમ સ્‍કુલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ સાથે મળી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલી શહેરના જુદા-જુદા માર્ગો ઉપર ફરી ડ્રગ્‍સ સેવનને કારણે થતા નુકશાનોથી માહિતગાર કરતા બેનરો સાથે ફરી હતી. આ ઉપરાંત રાજકોટ મ્‍યુનીપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં લગાવવામાં આવેલા તમામ સ્‍ક્રીનો ઉપર ડ્રગ્‍સ વિરોધી સ્‍લાઇડો પ્રસિધ્‍ધ કરવામાં આવી હતી. તેમજ સોશ્‍યલ મીડીયા, રેડીયો મીરચી, જીટીપીએલના માધ્‍યમથી ડ્રગ વિરોધી ઝુંબેશ અંતર્ગત સ્‍લોગન પ્રસિધ્‍ધ કરી યુવાનોમાં જાગૃતી લાવવામાં આવી હતી.

(4:38 pm IST)