રાજકોટ
News of Monday, 27th June 2022

કોર્પોરેશન વરસાદી પાણીના સંગ્રહ માટે ‘બોર' બનાવશે

ગુજરાતમાં પ્રથમ પ્રયોગ : દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગમાં : રિલાયન્‍સનું ટેન્‍ડર સૌથી વધુ આકર્ષક : બોરની સંખ્‍યા, ઉંડાઇ, સ્‍થળ હવે પછી નક્કી થશે

રાજકોટ તા. ૨૭ : શહેરના વિવિધ વિસ્‍તારમાં કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે બોર બનાવવા કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પદાધિકારીએ આ દરખાસ્‍તની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, મહાનગર પાલિકા વિસ્‍તાર તથા મનપા હસ્‍તકની જગ્‍યા પર જુદા-જુદા હેતુ માટે બોર કરવા માટે વિવિધ વિભાગો દ્વારા માંગણી કરવામાં આવે છે. આ માંગણી સબબ બોર ડ્રીલીંગ માટે દ્વિવાર્ષિક રેઇટ કોન્‍ટ્રાકટ માટે ભાવો મગાવવામાં આવ્‍યા હતા. જેમાં રિલાયન્‍સ સેલ્‍સ કોર્પોરેશન ૫.૫૦ ટકા વધુ તથા મિલન ઇલેકટ્રીકશે ૪૮.૭૦ ટકા વધુ ભાવો આપ્‍યા હતા. આ ભાવો પૈકી રિલાયન્‍સ સેલ્‍સ કોર્પોરેશનના ભાવ અંદાજીત ભાવ કરતા ૫.૫૦ ટકા વધુ હોય જે વધુ જણાતા વાટાઘાટના અંતે ૧.૫ ટકા ભાવ ઘટાડી ૪ ટકા વધુ ભાવથી કામ કરવા એજન્‍સી સહમત થયેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદી પાણીના સંગ્રહ માટેની બોર યોજનાની દરખાસ્‍ત આવતીકાલની સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં મુકવામાં આવી છે. શહેરમાં કરવામાં આવનાર બોરની સંખ્‍યા, ઉંડાઇ, સ્‍થળ વગેરે હવે સર્વે પછી નક્કી થશે. જુન મહિનો પૂરો થવામાં છે વરસાદી મોસમ શરૂ થઇ ગઇ છે. બોર માટેની વહીવટી પ્રક્રિયા ક્‍યારે પૂરી થશે અને બોરનું કામ ક્‍યારે શરૂ થશે તે હજુ નક્કી નથી.

(3:44 pm IST)