જામનગર હાઇવે પર હોટલ પાસે રાજકોટના મુસ્લિમ માતા-પુત્ર પર સગાએ હુમલો કર્યો
અથડાવા બાબતે માથાકુટઃ સુભાષનગરના નસિમબેન અને પુત્ર અનિશને ઇજા
રાજકોટ તા. ૨૭ઃ રૈયા રોડ પર આમ્રપાલી પાછળ સુભાષનગર-૮માં રહેતાં નસીમબેન મોહમ્મદઇકબાલ કાસમાણી (ઉ.૫૫) અને તેમના પુત્ર અનિલ મોહમદઇકબાલ કાસમાણી (ઉ.૩૭) પર જામનગર હાઇવે પર ધ ગ્રાન્ડ મુરલીધર પાસે રાત્રે હુમલો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.
મોહમ્મદઇકબાલભાઇએ જણાવ્યું હતું કે મારા પત્નિ નસિમબેનના ભાઇના દિકરાનો બર્થ ડે હોઇ જામનગર હાઇવે પરની હોટેલ ખાતે જમણવાર હોઇ બધા સગા સંબંધીઓને આમંત્રણ હોઇ ત્યાં ગયા હતાં. જમ્યા બાદ બહાર નીકળી કારમાં બેસવા જતાં હતાં ત્યારે રાજકોટના જ સગા મિકાઇલ સુરૈયા, સરફરાઝ, નિલોફર સહિતે ઝઘડો કરી મારા પત્નિ નસિમબેન અને પુત્ર અનિશને મારકુટ કરી હતી. સામેવાળાએ નશો કર્યો હોઇ નસિમબેન સાથે અથડાઇ જતાં ધ્યાન રાખવાનું કહેતાં આ માથાકુટ થઇ હતી. આક્ષેપો અંગે પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.