રાજકોટ
News of Monday, 27th June 2022

‘માય લવ' આઇડીમાં મેસેજ કરનારને ‘ગે' સમજીને કોલેજીયન યુવાન મળવા જતાં બ્‍લેકમેઇલીંગનો શિકાર થયોઃ ૪ પકડાયા

સમલૈંગિક સંબંધોમાં રસ ધરાવનારા લોકોનું ગ્રુપ ધરાવતી એપ્‍લીકેશનમાં રજીસ્‍ટ્રેશન કર્યા પછી ૨૧ વર્ષનો યુવાન બરાબરનો ફસાયો : યુવાનને કેકેવી ચોકમાં બોલાવી નાણાવટી ચોકના આરએમસી ક્‍વાર્ટરમાં લઇ જવાયોઃ ત્‍યાં ચડ્ડીભેર કરી ‘હું એપ્‍લીકેશન મારફત નાના બાળકોને બોલાવી સંબંધ બાંધુ છું, હવે આવુ નહિ કરું' તેવું છરીની અણીએ બોલાવડાવી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી દઇ ૨૦ હજાર માંગ્‍યા : પોલીસે જંગલેશ્વરના અફરીદ કાદરી, સોરઠીયાવાડીના અમન કાદરી, સોહિલ કાદરી અને કોઠારીયા ચોકડી પાસેના રામનગરમાં રહેતાં ભાર્ગવ ડાભીને પકડયા : અમને કોલેજીયનને આઇડી પર ‘હાઇ'નો મેસેજ કર્યો, ભાર્ગવ કેકેવી ચોકે લેવા ગયો, પછી ક્‍વાર્ટરના રૂમમાં પહોંચતા જ અમન, અફરીદ અને સોહિલ પણ પહોંચી ગયા : ચારેયએ બીજા કોઇને શિકાર બનાવ્‍યા છે કે કેમ? વ્‍હોટ્‍સએપ ગ્રુપના ચેટીંગ ચેક કરાશેઃ એસીપી પી. કે. દિયોરા

રાજકોટ તા. ૨૭: ઓનલાઇનની દુનિયામાં અનેક એવી વેબ સાઇટ ઉપલબ્‍ધ છે જેનો ઉપયોગ સેક્‍સ સંબંધીત કામો માટે પણ થતો હોય છે. આવી જ એક સમલૈંગિકોને લગતી વેબસાઇટમાં શહેરના એક કોલેજીયન યુવાને રજીસ્‍ટ્રેશન કરાવતાં તેનો એક શખ્‍સે સંપર્ક કરી મળવા બોલાવી બાદમાં રૂમમાં પુરી ‘હું નાના બાળકો સાથે સંબંધ ધરાવું છું, હવે આવુ નહિ કરું ભુલ થઇ ગઇ' એવું બોલાવડાવી વિડીયો ઉતારી લઇ વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ રૂા. ૨૦ હજાર પડાવવા ધમકી અપાઇ હતી. યુવાને પોલીસની મદદ લેતાં એ-ડિવીઝન પોલીસે ગુનો ડિટેક્‍ટ કરી ચાર આરોપીઓને પકડી લીધા હતાં. પણ બનાવ યુનિવર્સિટી પોલીસની હદમાં બન્‍યો હોઇ ફરિયાદ ત્‍યાં મોકલી આરોપીને પણ સોંપી દીધા હતાં.

આ બનાવમાં પોલીસે મુળ સાયલા પંથકના વતની અને હાલ કુવાડવા  રોડ પર રહેતાં તેમજ ટીવાયબીકોમમાં અભ્‍યાસ કરતાં મહેશ નામના ૨૧ વર્ષના કોલેજીયન યુવાનની ફરિયાદ પરથી જંગલેશ્વર ભવાની ચોક અંકુર સોસાયટીની બાજુમાં રહેતાં અફ્રીદ ફિરોઝભાઇ કાદરી, સોરઠીયા વાડી સર્કલ પાસે નટરાજ પેટ્રોલ પંપ પાસે રહેતાં અમન સલિમભાઇ કાદરી, સોહિલ હાજીભાઇ કાદરી અને કોઠારીયા ચોકડી રામનગર-૨માં રહેતાં ભાર્ગવ રાજેશભાઇ ડાભી વિરૂધ્‍ધ આઇપીસી ૩૮૬, ૩૪૨, ૪૬૯, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી સકંજામાં લીધા છે. મહેશે સમલૈંગિક (ગે)ને લગતી એક એપ્‍લીકેશનમાં રજીસ્‍ટ્રેશન કરતાં તેને નાણાવટી ચોક પાસે મળવા બોલાવી ક્‍વાર્ટરમાં લઇ જઇ ગોંધી રાખી છરી બતાવી પૈસા પડાવી  પોતે નાની ઉમરના છોકરાઓને મળવા બોલાવી સંબંધ રાખે છે અને હવે પછી આવું નહિ કરે, મને માફ કરી દો...તેવું બોલાવડાવી વિડીયો ઉતારી લઇ બળજબરીથી ૨૦ હજાર પડાવવા ધમકી આપ્‍યાનો આરોપ મુકાયો છે.

મહેશે પોલીસ સમક્ષ પોતાની સાથે જે બન્‍યું તેની વિતક વર્ણવતા કહ્યું હતું કે હું કોલેજમાં ભણુ છું અને મેં ત્રણેક દિવસ પહેલા ઓનલાઇન બ્‍લૂડ નામની એપ્‍લીકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્‍લીકેશન મારફત સમલૈંગિક સંબંધોમાં રસ ધરાવતાં લોકોનું ગ્રુપ હોય છે. તેમાં આઇડી નેમ આધારે રજીસ્‍ટ્રેશન કરવાનું હોય છે. હું આ એપ્‍લીકેશનમાં ‘માય લવ' નામના આઇડીથી જોડાયો હતો. એ પછી તા. ૨૫/૬ના શનિવારે બપોરે બે વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે  બ્‍લૂડ એપ્‍લીકેશનમાંથી અજાણ્‍યા વ્‍યક્‍તિએ ‘હાઇ'નો મેસેજ કરતાં મેં પણ સામે રિપ્‍લાય આપ્‍યો હતો. એ પછી તેણે મારી ઉમર પુછતાં મેં ૨૧ વર્ષ લખ્‍યું હતુ઼. વાતચીત પછી મને કેકેવી ચોકમાં રૂબરૂ મળવા બોલાવતાં હું બાઇક લઇને બપોરે ત્રણેક વાગ્‍યે ત્‍યાં નક્ષત્ર કોમ્‍પલેક્ષ કે જે અમીન માર્ગ જવાના રોડ પર છે ત્‍યાં ગયો હતો.

ત્‍યાં પહોંચતા એક અજાણ્‍યો વ્‍યક્‍તિ ઉભો હોઇ તે મેસેજ કરનાર જ હોવાની ખાત્રી થઇ હતી. એ પછી તે મને ‘ચાલ હવે મારા રૂમ પર જઇએ' તેમ કહી નાણાવટી ચોકમાં આવેલા આવાસ યોજના ક્‍વાર્ટર વીંગ-૧૩માં પહેલા માળે રૂમ નં. ૩૩૪માં લઇ ગયો હતો. તેણે તાળુ ખોલ્‍યા બાદ અમે રૂમમાં ગયા હતાં. એ દરમિયાન બીજા ત્રણ શખે રૂમમાં આવી ગયા હતાં અને રૂમ અંદરથી બંધ કરી દીધો હતો.એ પછી એક જાડા જેવા શખ્‍સે મને છરી બતાવી હતી અને કહ્યું હતું કે તારી પાસે પાકીટમાં જેટલા રૂપિયા હોય એ અને મોબાઇલ આપી દે નહિતર અહિ જ પતાવી દઇશું કહી ધમકી આપી હતી. હું ડરી જતાં ૪૦૦ની રોકડ સાથેનું પર્સ અને વન પ્‍લસ મોબાઇલ આપી દીધા હતાં. તેમજ મારા બાઇકની ચાવી પણ તેણે લઇ લીધી હતી.

ત્‍યારબાદ મને આ લોકોએ કહેલું કે હવે અમે કહીએ તેમ તું બોલ, અમે વિડીયો ઉતારી લઇએ...તેમ કહી મારા કપડા કઢાવ્‍યા હતાં અને મને ખાલી ચડ્ડી પહેરવા દીધી હતી. આવી હાલતમાં આ લોકોએ મારી પાસે બોલાવડાવ્‍યું હતું કે-‘હું આ બ્‍લૂડ એપ્‍લીકેશન દ્વારા નાની ઉમરના છોકરાઓ સાથે સંપર્ક કરી તેને મળવા બોલવાી સંબંધ રાખુ છું, હવે પછી આવું નહિ કરું, મને માફ કરી દો'...આવું મને ધમકી દઇ બોલાવી મારો વિડીયો ઉતારી લઇ બાદમાં મને કપડા પહેરવાનું કહ્યું હતું. પછી ધમકી દીધી હતી કે હવે આ વાત કરતાં અમે નાણાવટી ચોકના ક્‍વાર્ટરે જતાં ત્‍યાં તાળુ જોવા મળ્‍યું હતું. એ પછી સાંજે આઠેક વાગ્‍યે મારા ફોનમાં ફોન આવ્‍યો હતો. મેં તેને કોણ બોલો છો? એવું પુછતાં તેણે કહેલું કે બપોરે તને લઇ ગયેલો તે બોલુ છું, હવે તું ગમે તેમ કરીને પંદરથી વીસ હજારનું કરી દે, રૂપિયા લઇને હું કહુ ત્‍યાં આવી જા તેમ કહી ફોન કાપી નાંખ્‍યો હતો.

પંદરેક મિનીટ બાદ ફરીથી ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે હવે તારે રૂબરૂ આવવાની જરૂર નથી હું નંબર આપુ તેમાં ગૂગલ પે કરી દે અથવા ફોન પેમાં ૨૦ હજાર મોકલી દે તેમ કહી ફોન કટ કરી નાંખ્‍યો હતો. ત્‍યારબાદ અમે પોલીસ ફરિયાદ કરવા એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને ગયા હતા. પીઆઇ સી. જે.  જોષી અને ટીમે તુરત જ બનાવને ગંભીર ગણી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મોબાઇલ ભાર્ગવ ડાભીએ એપ્‍લીકેશનમાં જોડાયેલા છાત્રને હાઇનો મેસેજ કર્યો હતો અને તેને કેકેવી ચોકમાં બોલાવ્‍યા બાદ અમન તેને બાઇકમાં બેસાડી નાણાવટી ચોકમાં બંધ પડેલા પરિચીતના ક્‍વાર્ટરમાં લઇ ગયો હતો. જ્‍યાં અગાઉથી જ ભાર્ગવ, અફરીદ અને સોહિલ ઉભા હોઇ તે પણ અમન અને કોલેજીયન છાત્ર સાથે રૂમમાં ઘુસી ગયા હતાં અને બ્‍લેકમેઇલીંગ શરૂ કર્યુ હતું. ચારેય આરોપીઓએ અન્‍ય કોઇને શિકાર બનાવ્‍યા છે કે કેમ? તે જાણવા તેના વ્‍હોટ્‍સએપ ગ્રુપ ચેક કરવામાં આવશે. તેમ એસીપી પી. કે. દિયોરાએ જણાવ્‍યું હતું.

(3:24 pm IST)