રાજકોટ
News of Monday, 27th June 2022

બેટ દ્વારકાનો વણથંભ્‍યો વિકાસ : ઓખા - બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું કામ ગતિમાં

દરિયામાં બંધાનાર સિગ્નેચર બ્રિજની લંબાઇ ૨.૪૫૨ મીટર : બંને છેડે પાઇલ ફાઉન્‍ડેશન : સેન્‍ટ્રલ કેબલ સ્‍ટે મોડયુલ મુજબ ઝૂલતો પુલ : ફોર લેન બ્રિજની પહોળાઇ ૨૭.૨૦ મીટર : ૯૬૨ કરોડનો ખર્ચ : જનહિતાર્થે નરેન્‍દ્રભાઇ મોદીની ઉમદા કામગીરી : આવતા ૧ વર્ષમાં કામ પુરૂં થશે : શ્રી બેટ દેવસ્‍થાન સમિતિ દ્વારા વિકાસ કાર્યો : ટ્રસ્‍ટના પ્રમુખ સૌરભ પટેલ, ઉપપ્રમુખ સમીર પટેલ, આર્કિટેક સુરેશ સંઘવી વગેરે અકિલાની મુલાકાતે

શ્રી બેટ દેવસ્‍થાન સમિતિના પ્રમુખ પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલ, ઉપપ્રમુખ સમીર પટેલ, આર્કિટેક સુરેશ સંઘવી વગેરેએ અકિલા કાર્યાલયની મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ર૭ : પરમ પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાએ વિકાસની હરણફાળ ભરી છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ર૦૧૭ ના વર્ષમાં તા. ૧ ઓકટોબરે જેનું ખાતુમુહૂર્ત કરેલ તે ઓખા બેટ દ્વારકા વચ્‍ચેમાં દરિયા પરના સિગ્નેચર બ્રિજનું કામ ચાલુ છે. આવતા એક વર્ષમાં આ કામ પુરૂ થઇ જાય તેમ છે. શ્રી બેટ દેવસ્‍થાન સમિતિના પ્રમુખ સૌરભ પટેલ (પૂર્વ ઉર્જામંત્રી), ઉપપ્રમુખ સમીર પટેલ, આર્કિટેક સુરેશ સંઘવી વગેરેએ અકિલાની મુલાકાત પ્રસંગે બેટદ્વારાના વિકાસની ગાથા વર્ણવી હતી. શ્રી દેવસ્‍થાન બેટ સમિતિ દ્વારા વહીવટી અને સેવા કાર્યો કરવામાં આવે છે.
સૌરભ પટેલ, સમીર પટેલ વગેરેને જણાવેલ કે અલૌકિક દેવસ્‍થાનના  દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓએ બેટ દ્વારકા સુધી પહોંચવામાં જે તકલીફ અને હાલકી પડે છે તેથી ઓખાથી બેટ દ્વારકા સુધી દરિયામાં બ્રીજ બાંધવાની દરખાસ્‍ત કરવામાં આવી, જે પ્રધાનમંત્રીશ્રી સુધી પહોંચાડવામાં આવી જનહિતાર્થના કોઇપણ કાર્ય માટે સદા તત્‍પર એવી દીર્ધ દ્રષ્‍ટિ ધરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આ માટે મિનીસ્‍ટ્રી ઓફ હાઇવે, બ્રીજ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટનાં મંત્રીશ્રી ગડકરીને આ દરખાસ્‍ત પોતાની અંગત નોંધ સાથે મોકલાવી અને શ્રી ગડકરીજીએ પોતે બેટ દ્વારકાની મુલાકાત લઇ, આ દરખાસ્‍ત વિશે ઉંડો અભ્‍યાસ કરી, રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નં. પ૧ ને બેટ દ્વારકા પહોંચાડવાનું મંજુર કર્યુ. આ માટે ઓખા બંદરથી બેટ દ્વારકા વચ્‍ચે અંદાજે ૩.૦૦ કિલોમીટરનો બ્રીજ દરિયા વચ્‍ચે બાંધવાનું નકકી થયુ, જેને સિગ્નેચર બ્રીજ નામથી આ દરખાસ્‍તને મૂર્તિમંત સ્‍વરૂપ અપાયું. ઉચ્‍ચ એન્‍જીનીયરીંગ કૌશલ્‍યતા માગી લે તેવા આ બ્રીજનું નિર્માણ હાથ ધરવામં આવ્‍યું છે.
આ બ્રીજની કુલ લંબાઇ ર,૪પર મીટર છે, જેમાં બન્ને છેડે પાઇલઇ ફાઉન્‍ડેશન ઉપર પાયર કોંક્રેટથી બ્રીજ બની રહ્યો છે. અને વચ્‍ચેના ૯૦૦ મીટર લંબાઇમાં સેન્‍ટ્રલ કેબલ સ્‍ટે મોડયુલ (CENTRAL CABLE STAYED MODULE) અનુસારનો અતી આકર્ષક ‘‘ઝુલતો પુલ'' બનાવવાનો છે. કેબલ સ્‍ટે બ્રીજનાં બન્ને છેડે પાયલોન ટાવર (PYLON TOWER) ઉભા કરવામાં આવ્‍યા છે. જે માધ્‍ય દરિયાનાં તળથી ૧પ૪ મીટર (પ૦૦ ફૂટ) ઉંચાઇના છે. આ બ્રીજ ફોર લેન બ્રીજ છે. જે ર૭.ર૦ મીટર પહોળાઇ તથા બન્ને તરફ ર.પ૦ મીટર રાહદારીઓ માટેની પગથાર સહિત કુલ ૩ર.ર૦ મીટર (૧૦પ ફૂટ) પહોળાઇનો થશે.
દરિયાના મોજાથી રક્ષણ આપવા ૩૪૮૩ મીટરની રિટેનીંગ વોલ તથા ૧,૪ર૦ મીટરના એપ્રોચ રોડનું કામ લગભગ પૂર્ણ થયેલ છે. બેટદ્વારકાના બ્રીજના છેડે થી શ્રી દ્વારકાધીશજી મંદિર સુધીનો આશરે ૧.રપ કિલોમીટરનો માર્ગ પણ ફોરલેન અને રાષ્‍ટ્રીય ધોરીમાર્ગના સ્‍ટાન્‍ડર્ડ અનુરૂપ થનાર છે. બ્રીજ પાસે કોમન પાર્કિંગ અને શ્રી દ્વારકાધીશજી મંદિર પાસે વી.આઇ.પી. પાર્કિંગની સુવિધા આપવાની છે. આ બ્રીજનો કોન્‍ટ્રેકટર મેસર્સ એસ.પી. સીંગલા કન્‍સ્‍ટ્રકશન્‍સ પ્રા. લિ. જેવી ખ્‍યાતનામ કોન્‍ટ્રાકટર પેઢીને આપવામાં આવ્‍યો છે.
આ સમગ્ર આયોજનનું કુલ અંદાજીત ખર્ચ રૂા. ૯૬ર.૦૦ કરોડ છે. આ સિગ્નેચર બ્રીજનું ખાતમુહુર્ત તા. ૧-૧૦-ર૦૧૭ માં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ આયોજન મુજબનું પ૦ ટકા કામ પૂર્ણ થયેલ છે અને આગામી એક વર્ષના સમયગાળામાં આ બ્રીજ પૂર્ણ થવાની ધારણા છે. નરેન્‍દ્રભાઇ મોદીના સુવર્ણ સ્‍વપ્ન સમાજ આ બ્રીજનું કામ પૂર્ણ થતા, બેટ દ્વારકાનાં અદ્વિતીય વિકાસનો આરંભ થઇ ચૂકયો છે.
રાજય સરકાર તરફથી વિકાસ
બેટ દ્વારકામાં મંદિરોના સુશોભન તથા અન્‍ય જરૂરી અને માળખાકીય સુવિધાઓને લક્ષમાં લઇ, ગુજરાત રાજય પ્રવાસન અને દેવસ્‍થાન વિકાસ આયોગ મારફત આ વિકાસ આયોજન માટે રૂા. ૧પ કરોડની ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવેલ છે.
શ્રી સૌરભભાઇ પટેલ તથા ટ્રસ્‍ટીશ્રીઓ તરફથી રાજય સરકારમાં ઉચ્‍ચ સ્‍થાને, મુખ્‍ય મંત્રીશ્રી, પ્રવાસન મંત્રીશ્રી, સચિવ વગેરે પાસે રજુઆત કરવામાં આવેલ અને ગુજરાત રાજય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી વિકાસ આયોજન હાથ ધરવામાં આવેલ છે.
આ ગ્રાન્‍ટની રૂા. ૧પ.૦૦ કરોડની રકમ પૈકીનાં વિકાસ કાર્યો કરવામાં આવશે. જેમાં મંદિર ચોગાનમાં પ્રદક્ષિણા પથ સુશોભન, કંપાઉન્‍ડ વોલ, સિકયોરીટી રૂમ, પ્રસાદરૂમ, પ્રવેશદ્વાર, ગણેશ મંદિર વગેરેનો સમાવેશ થાય.
શ્રી બેટ દેવસ્‍થાન  સમિતિ તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી આ વિકાસ આયોજન માટે સ્‍ટાર આર્કિટેકટસની નિયુકિત કરવામાં આવેલ છે. આ બધાં જ વિકાસ આયોજન તબક્કાવાર શરૂ કરવાનું આયોજન કરેલ છે.
આ ઉપરાંત, શ્રી બેટ દેવસ્‍થાન સમિતિ તરફથી ઉચ્‍ચ કક્ષાએ અન્‍ય સુવિધાઓ, શાળા, આરોગ્‍ય કેન્‍દ્ર મેટરનીટી હોમ અને યાત્રાળુઓની સવલતના વિવિધ આયોજન માટે રાજય સરકાર સાથે પરામર્શ ચાલે છે.
પૂર્ણ આયોજન અગ્રગણ્‍ય યાત્રાધામ અને પ્રવાસન તીર્થ
સિગ્નેચર બ્રીજ પૂર્ણ થતા જ, દ્વારકા દર્શનાર્થે આવતા બધાં જ યાત્રાળુઓને બેટ દ્વારકા પણ આવવાનું પ્રલોભન થશે અને તેથી બેટ દ્વારકાના અનન્‍ય અને અલૌકિક વિકાસની તક ઉભી થયેલ ે અને પ્રતિ દિન ૮,૦૦૦ થી ૧૦,૦૦૦યાત્રાળુઓ આ સ્‍થાનનાં દર્શનાર્થે આવશે તેવો અંદાજ છે.
બેટ દ્વારકાના આ વિકાસ આયોજનમાં સમગ્ર વિસ્‍તારનું વિસ્‍તૃતિકરણ, સુશોભન, યાત્રાળુઓ માટે વિશ્રાંતિ કુટીર, પ્રવાસીઓ માટે અદ્યતન હોટેલ તથા ડોરમીટરી રેસ્‍ટોરન્‍ટ, વગેરે અનેક વિકાસ આયોજનના દ્વાર ખુલવાના છે.
આ સુંદર દ્વિપની ચારે તરફ સમુદ્ર હોવાથી, ડોલ્‍ફીન અને અન્‍ય દરિયાઇ જીવ સૃષ્‍ટિનું દર્શન, સંશોધન અને અભ્‍યાસની તક મળશે. તમામ માળખાકીય સુવિધા શ્રી કૃષ્‍ણ ભગવાનના સમગ્ર જીવનકાળને પ્રદર્શીત કરતી ‘‘શ્રી કૃષ્‍ણનગર'' સંગ્રહસ્‍થાન, આર્ટ ગેલેરી, મરીન ટુરીઝમ તથા મરીન એમ્‍યુઝમેન્‍ટ પાર્ક, લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો-જેવા અનેક આકર્ષણ ઉભા કરવાનો અહીં વિપુલ અવકાશ છે. તેમ સૌરભ પટેલ અને સમીર પટેલે જણાવ્‍યું હતું.

 

(11:45 am IST)