News of Monday, 27th June 2022
આજી-૨ ડેમ છલકાઇ ગયો : પડધરી - ટંકારા તાલુકાના ૧૩ ગામોને સાવચેત રહેવા સૂચના
રાજકોટ તા. ૨૭ : ફલડ ઓફીસર અને અધિક્ષક ઇજનેરશ્રી, રાજકોટ સિંચાઈ વર્તુળ (ફલડ સેલ), રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ તાલુકાના, માધાપર ગામ પાસેનો આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂરેપૂરો ભરાઈ ગયેલ હોવાથી રાત્રે ૮.૧૫ વાગ્યે ડેમના ૩ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવેલ છે, ડેમમાં ૨૦૩૪ કયુસેક પાણીના પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી ૨૦૩૪ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે.
ડેમની હેઠવાસમાં પડધરી તાલુકાના અડબાલકા, બાધી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, નારણકા, જુના નારણકા, હરીપર, ખંઢેરી, નાગરકા અને ઉકરડા તથા ટંકારા તાલુકાના સખપર અને કોઠારીયા ગામોના રહેવાસીઓને નદીના પટમાં અવર - જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે.
(10:48 am IST)