શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નર્સરીના એડમીશન માટેના ફોર્મ સોમવારથી મળશે
૪ જૂન સુધી સવારના ૧૧ થી ર, સાંજે ૩-૩૦ થી પ-૩૦ કરણપરા ખાતે શિક્ષણ સમિતિ કાર્યાલય ખાતે વિતરણઃ બાળકની જન્મ તારીખ ૧ જુન ર૦૧૮ થી ૩૧ મે ર૦૧૯ સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે
રાજકોટ તા. ર૭: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની ત્રણ શાળાઓમાં નર્સરીમાં એડમીશન માટેના ફોર્મનું તા. ૩૦ મે થી ૪ જુન સુધી વિતરણ કરવામાં આવશે.
આ અંગે શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની (૧) રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમુકુંદ સોસા., સાધુ વાસવાણી માર્ગ, (ર) ડો. હોમિ જહાંગીર ભાભા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ગોપાલ ડેરી પાછળ દુધ સાગર માર્ગ, (૩) કવિ નર્મદ અંગ્રેજી માધ્યમ શાળા, ૩/૯ ગાયત્રીનગર બોલબાલા માર્ગ ખાતે આવેલ શાળાઓમાં નર્સરીમાં એડમિશન માટેના ફોર્મ તા. ૩૦ સોમવારથી તા. ૪ જુન શનિવાર સુધી દરરોજ સવારના ૧૧-૦૦ થી બપોરે ર-૦૦ સુધી અને સાંજે ૩-૩૦ થી પ-૩૦ દરમ્યાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાર્યાલય, કરણપરા ચોક પાસેથી મેળવવાના રહેશે તેમજ તા. ૧૦ જુન શુક્રવાર સુધીમાં ભરી જમા કરાવી શકાશે. ફોર્મ ભરવા માટે બાળકના જન્મ તારીખના દાખલાની નકલ, એક પાસપોર્ટ સાઇઝ ફોટો તથા રેસીડેન્ટ પ્રુફની નકલ સાથે લાવવાની રહેશે જે બાળકની જન્મ તારીખ ૧ જુન થી ૩૧ મે સુધીમાં હશે તેના જ ફોર્મ ભરી શકાશે.