રાજકોટ
News of Tuesday, 27th April 2021

ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં વધુ બેડની વ્યવસ્થા કરવા માટે ડોમ ત્રણ દિવસથી તૈયાર...પણ ઓકિસજનના અભાવે કામ અટકયું

રાજકોટઃ સિવિલ હોસ્પિટલનું કોવિડ કેર સેન્ટર અને બીજા ઘણા વોર્ડ કે જ્યાં કોવિડ દર્દીઓને દાખલ કરવા માટેની વ્યવસ્થા ઉભી થઇ છે એ બધા જ વિભાગો હાઉસફૂલ થઇ ગયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ખાનગી હોસ્પિટલો પણ ફૂલ છે. વધારાના બેડની વ્યવસ્થા તત્કાલ ઉભી કરવા કલેકટર તંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર રાતદિવસ એક કરી રહ્યું છે. ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં કોવિડ પેશન્ટની દાખલ કરી પ્રાથમિક સ્ટેજ પર ઓકિસજન સાથે સારવાર આપી શકાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ માટે વિશાળ ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે અને ખાટલા પણ મંગાવી લેવામાં આવ્યા છે. ત્રણેક દિવસથી આ ડોમ ઉભા થઇ ગયા છે. પરંતુ ખાટલે મોટી ખોટ...ઓકિસજનના અભાવે ડોમમાં વધારાના બેડની સુવિધા શરૂ કરી શકાઇ નથી. તંત્રવાહકો ઓકિસજનની અછત નિવારવા મથી રહ્યા છે. ઓકિસજન આવી પણ રહ્યું છે, પરંતુ માંગ વધી હોઇ ઓકિસજનની અછતને કારણે ચોૈધરી હાઇસ્કૂલના ડોમમાં વધારાના બેડની વ્યવસ્થા ઉભી કરવામાં અડચણ ઉભી થયાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તસ્વીરમાં ત્રણ દિવસથી બની ગયેલો વિશાળ ડોમ અને તેમાં પાથરવા માટેના ખાટલા (પલંગો)નો થપ્પો જોઇ શકાય છે. ઓકિસજનની ખપતનો પ્રશ્ન ઉકેલાયા બાદ જ અહિ બેડ શરૂ થઇ શકે તેમ છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:47 pm IST)