રાજકોટ
News of Tuesday, 27th April 2021

શહેર ભાજપ પ્રમુખને પ્રસિધ્ધીનો આટલો મોહ? ચાર સીલીન્ડર આપી ફોટો સેશન કર્યુ : મનીષાબા વાળા

રાજકોટ તા. ૨૭ : કોરોના વાઇરસે રીતસર મોતનું તાંડવ શરૂ કર્યુ છે. લોકોના ચહેરા ચિંતાથી વિલાય ગયા છે. ત્યારે આવા સમયે પણ શહેર ભાજપ પ્રમુખને પ્રસિધ્ધીનો મોહ છુટતો ન હોય તેમ ઓકસીજનના ચાર સીલીન્ડરની દર્દી માટે વ્યવસ્થા કરતી વેળાએ ફોટો સેશન કરાવી લીધુ. તેમ આવી વૃત્તિની આકરી આલોચના કરતા મહીલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળાએ જણાવ્યુ છે.

મનીષાબા વાળાએ જણાવ્યુ છે કે એક તરફ લોકો ઓકસીજન મેળવવા ભુખ્યા તરસ્યા હેરાન પરેશાન થઇ રહ્યા છે. ૨૦ કી.મી. દુર લાંબી કતારોમાં ઉભા રહેવુ પડે છે. આવુ જ રેમડેસીવીરર ઇન્જેકશનની બાબતમાં છે. ચૌધરી હાઇસ્કુલના ખુલ્લા મેદાનમાં દર્દીઓ કણસી રહ્યા છે.

ત્યારે માત્ર ૪ ઓકસીજનના સીલીન્ડર (વજન ૨/૨૦ કિ.ગ્રા.) ની વ્યવસ્થા કરી આપતીવેળાએ શહેર ભાજપ પ્રમખુ ફોટો સેશન કરાવે તે કેટલુ બેહુદુ લાગે? પીડીતોની મજાક સમાન ગણાય. તેમ મનીષાબા વાળાએ જણાવ્યુ છે. ઉપરાંત દર્દીઓની આવી સ્થિતિમાં ભાજપના આગેવાનો દ્વારા ઇન્જેકશનની દલાલી રંગે હાથ ઝડપાઇ ગઇ તે વાત ભાજપીઓની વૃત્તિનો પુરાવો છે. તેમ અંતમાં મનીષાબા વાળાએ જણાવેલ છે.

(4:41 pm IST)