રાજકોટ
News of Tuesday, 27th April 2021

લીવરમાં પણ હતુ ઈંફેકશનઃ ઓકિસજન લેવલ અને પલ્સ ઘટી ગયા હતાઃ સીઆરપી વધી ગયેલા

મુખ્ય લક્ષણ માથાનો દુઃખાવો હતો તેવા ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના ૪૦ વર્ષના ભાવનાબેન ભરતભાઈ સંઘાણી સમયસરની સારવારથી કોરોનાને હરાવ્યો

રાજકોટઃ 'છેલ્લા કેટલાક દિવસથી મને સતત માથુ દુઃખ્યા કરતું હતું. રાજકોટના ન્યુરો સર્જન(મગજના ડોકટર)ને બતાવ્યુ. લોહીના રિપોર્ટ, મગજ-છાતીનો સિટિ સ્કેન કરાવ્યો. જેમાં મગજમાં તો કંઇ જ ન હતું પરંતુ ફેફસામાં કોરોનાનું સંક્રમણ આવતું હતું.  લીવરમાં ઇન્ફેકશન આવતું હતું, સીઆરપી પણ વધુ આવતું હતું. એટલે અમે રાજકોટની જ સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા જયાં ચાર દિવસ અને ત્યારબાદ થોડું સારૃં થતાં કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં ત્રણ દિવસની સારવાર લઇ સ્વસ્થ થઇ હતી.'

ઉપરની વાત કરે છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટિયાળી ગામના ચાલીસ વર્ષના ભાવનાબેન ભરતભાઇ સંઘાણી.સિવિલમાં દાખલ થયા ત્યારે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવતો હતો. પરંતુ ભાવનાબેનનું ઓકિસજન લેવલ ૮૪ જેટલુ ઘટી ગયુ હતુ તેમજ પલ્સ(ધબકારા) પણ ઘટી ગયા. હતા. તેમજ ભાવનાબેનની હિસ્ટ્રી જોઇએ તેમની કોવિડ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઇ. જો કે ભાવનાબેનનો ત્રણેક વાર આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલો પરંતુ તે ત્રણેય વાર નેગેટિવ આવ્યો હતો.

ભાવનાબેન વધુમાં કહે છે કે 'સિવિલમાં મારા લોહીની તપાસ કરાઇ. ઓકિસજન અપાયો. નિયમિત દવાઓ અને ઇંજેકશન અપાયા. સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થતાં મને રજા અપાઇ. આજ હું સંપૂર્ણ સ્વસ્થ છું તેનો યશ રાજકોટની સરકારી કોવિડ હોસ્પિટલના ફાળે જાય છે. જો ત્યાં સમયસર સારવાર ન મળી હોત તો મારી સ્થિતિ વધુ બગડી શકી હોત. કોરોનાનું સંક્રમણ વધ્યુ હોત.'

 'સરકારી કોવિડ હોસ્પિટલમાં  હોવાથી મારા પરિવારજનોની મારા ભોજન કે ખર્ચની પણ ચિંતા ન હતી. કેમકે મને સવાર સાંજ ચા નાસ્તો અને બપોરે અને રાત્રે પૌષ્ટિક ભોજન હોસ્પિટલમાંથી જ -ાપ્ત થતું હતું. જો હું ખાનગી હોસ્પિટલમાં સારવાર લેત તો અમારે ખર્ચ અને ભોજનની ચિંતા રહેત. મારો પરિવાર ગામડે હતો. પરિવારમાં ત્રણ નાના બાળકો, પતિ અને સસરા છે.'

(3:26 pm IST)