રાજકોટ
News of Tuesday, 27th April 2021

હોમ આઇસોલેટ કોવિડ દર્દીઓને ઘરે બેઠા મળશે નિષ્ણાંત ડોકટરોની સેવા

IMA અને રોટરી કલબના સંયુકત ઉપક્રમે ટેલિ મેડિકલ હેલ્પલાઇનનો પ્રારંભ

રાજકોટ તા. ૨૭ : કોરોના મહામારીની બીજી લહેરમાં સમગ્ર ગુજરાતની સાથે દેશમાં પણ સંક્રમણ વધ્યુ છે. રાજકોટ જિલ્લો કોરોના મુકત બને અને લોકો જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય તેવા ઉમદા હેતુથી જિલ્લામાં વસવાટ કરતા, કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેઓ હાલ હોમ આઇસોલેટ થયા છે, તેમને IMA અને રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના સંયુકત ઉપક્રમે ટેલિ મેડિકલ હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.

આ માટે કોવિડ દર્દીઓ કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે અને ઘરે જ સારવાર લેવા માંગતા હોય તેઓ હેલ્પલાઇન નંબર - ૯૦૫૪૧ ૬૦૬૬૧ / ૬૨ / ૬૩ / ૬૪ / ૬૫ આ ૫ નંબર પર રજીસ્ટ્રેશન દરરોજ સવારના ૯.૩૦ થી ૨ અને સાંજે ૩ થી ૫ દરમ્યાન કરાવી શકાશે. ત્યારબાદ કોલ સેન્ટર દ્વારા ડોકટર સાથે તેમને વિડીયો કોલ દ્વારા જોડી આપવામાં આવશે. આ માટે પેશન્ટ પાસે કોવિડ પોઝિટિવ રિપોર્ટ હોવો અનિવાર્ય છે. તેમની પાસે વોટ્સએપ તથા ફોનની સુવિધા જરૂરી છે. જો દર્દીઓ પાસે કોવિડ માટે અન્ય કોઈ રિપોર્ટ કરાવેલ હોય તો તે પણ મોકલી શકે છે જેના દ્વારા ડોકટર તેમનું નિદાન કરશે.

ઉલ્લેખનીય છે કે આ સેવા બેડ, ઓકિસજન, વેન્ટિલેટર કે એમ્બ્યુલન્સ માટે નથી. અહીં માત્ર ને માત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેમનેે કોરોનાના હળવા લક્ષણો છે તેમને ડોકટર દ્વારા સુયોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કોરોનાગ્રસ્ત ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને ઘરની બહાર નીકળ્યા વિના સચોટ સારવાર મળે તે આ સેવાનો મુખ્ય હેતુ છે.

તેમજ દર્દીઓને કોવિડ માટે જરૂરી દરેક બ્લડ રીપોર્ટ રોટરી મિડટાઉનની લલિતાલય હોસ્પિટલમાં રાહત દરે થઈ શકશે. જે ગીત ગુર્જરી સોસાયટી, એરપોર્ટ રોડ પર આવેલ છે. જેના ફોન નંબર ૯૪૦૯૩૩૦૦૩૪ છે.

આ પ્રોજેકટનું સંચાલન અમીનેષભાઈ રૂપાણી, રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉનના દિવ્યેશભાઈ અઘેરા, તપનભાઈ ચંદારાણા તેમજ IMAમાંથી ડો.જય ધીરવાણી કરી રહ્યા છે. સાથોસાથ IMA  ડોકટર્સ અને રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉન કલબના મેમ્બર ઉપરાંત રોટરી મિડટાઉન લાઈબ્રેરીનો સમગ્ર સ્ટાફ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનો પણ સંપૂર્ણ સહયોગ આ કાર્યમાં સાંપડયો છે.

રોટરી મિડટાઉનના પ્રમુખ દિનેશભાઇ જીવરાજાની, મિતુલભાઈ કડવાણી ઉપરાંત IMAની વાત કરીએ તો IMA રાજકોટના પ્રમુખ ડો.પ્રફુલ કમાણી સચિવ ડો. દુષ્યંત ગોંડલીયા, પ્રોજેકટ કો-ઓર્ડિનેટર  ડો.પારસ શાહ, ડો.રૂકેશ ઘોડાસરા, ડો.હેતલ વડેરા, ડો. વિમલ સરદ્વા, ડો.બિરજુ મોરી, ડો.અતુલ પંડયા, ડો.ભરત કાકડિયા, ડો.ભાવિન કોઠારી, ડો.અમિત હાપાણી ડો.ચેતન લાલસેતા, ડો.હિરેન કોઠારી, ડો.રશ્મિ ઉપાધ્યાય, ડો.કીર્તિ પટેલ, ડો.દિપેશ ભલાણી, ડો. સંજય ભટ્ટ, ડો.તેજસ કરમટા, ડો.અમિત અગ્રાવત અને ડો.દેવેન્દ્ર રાખોલિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:21 pm IST)