રાજકોટ
News of Tuesday, 27th April 2021

સૌરાષ્ટ્ર યુનિ.ના કન્વેશન સેન્ટરની કોવિડ હોસ્પિટલ માટે ૧૦ ખાનગી હોમીયોપેથી - આયુર્વેદ કોલેજમાંથી ૧૯૫ તબીબ વિદ્યાર્થીઓ ફાળવાયા

રાઉન્ડ ધ કલોક ડ્યુટીની સૂચના : સરકારના નિયમો મુજબ પગાર આપવા પણ ખાસ પરિપત્ર : મોડી રાત્રે કલેકટરે કરેલા ઓર્ડરો : સિવિલના ડો. જતીન ભટ્ટને રીપોર્ટ કરવા આદેશો : ૫૦ ઇન્ટર્નીના પણ ઓર્ડરો કર્યા

રાજકોટ તા. ૨૭ : સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કન્વેશન સેન્ટરમાં ૪૦૦ બેડની ઓકસીજન સાથેની કોવીડ હોસ્પિટલ ગમે ત્યારે શરૂ કરાય તેવા નિર્દેશો મળી રહ્યા છે, ઓકસીજન પાછળ અટકયું છે, પરંતુ હવે સ્થિતિ થાળે પડી હોય કલેકટર દ્વારા કન્વેશન સેન્ટર અંગે ધડાધડ નિર્ણયો લેવાઇ રહ્યા છે.

કલેકટરશ્રી રેમ્યા મોહને સરકારે છૂટ આપતા મોડી રાત્રે રાજકોટ શહેર - જિલ્લાની ૧૦ જેટલી ખાનગી આયુર્વેદ અને હોમીયોપેથી કોલેજના ૧૯૫ તબીબી વિદ્યાર્થીઓના ઓર્ડરો કન્વેશન સેન્ટર માટે કર્યા છે.

આ માટે તમામ ૧૦ કોલેજોને જાણ કરી નોડલ ઓફિસર ફાળવવા અને પીડીયુ હોસ્પિટલ ખાતેના ઓએસડી ડો. જતીન ભટ્ટને તાત્કાલીક રીપોર્ટ કરવા અને દરેક કોલેજમાંથી ૫-૫ ઇન્ટર્ની પણ ફાળવી તેના પણ મોબાઇલ નંબર આપી દેવા પણ કલેકટરે હુકમો કર્યા છે.

 એટલું જ નહી આ તમામે સિવિલ દ્વારા હુકમો થાય તે પ્રમાણે રાઉન્ડ ધ કલોક ડયુટી બજાવવાની રહેશે અને સરકારના ઠરાવો મુજબ પગારો પણ આપવા કલેકટરે સૂચના આપી છે.

જે કોલેજોના વિદ્યાર્થીઓ માટે ઓર્ડરો થયા તેમાં રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજ, એચ.એન.શુકલા હોમીયોપેથીક કોલેજ, કામદાર હોમીયોપેથીક કોલેજ, મુરલીધર આયુર્વેદિક કોલેજ, આર.કે.યુનિ. આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ, ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ આયુર્વેદ, ગારડી આયુર્વેદીક કોલેજ, ગ્લોબલ ઇન્સ્ટીટયૂટ ઓફ આયુર્વેદ, બી.એ.ડાંગર હોમીયોપેથીક મેડીકલ કોલેજ, બી.જે.ગરૈયા આયુર્વેદ કોલેજનો સમાવેશ થાય છે.

(3:21 pm IST)