રાજકોટ
News of Tuesday, 27th April 2021

કોરોનામાં સરકાર નબળી છે : કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરીએ ધરણા કરે તે પહેલા અટકાયત : કલેકટરની ગાડીને ઘેરાવ કર્યો

હાઉસફુલ હોસ્પિટલો વચ્ચે અમૃતમ કાર્ડમાં સારવારની જાહેરાત મશ્કરી સમાન : વોર્ડ વાઇઝ કોરોના કન્ટ્રોલરૂમ ખોલો

કોરોના સારવારમાં સરકારની નબળાઇ મા અમૃતમ કાર્ડ મશ્કરી સમાન - રેમડેસિવિર ઇન્જેકશન મળતા નથી તેવા આક્ષેપો સાથે કોંગ્રેસના રણજીત મુંધવા અને અન્ય ત્રણ લોકોએ કલેકટર કચેરીએ ધરણા શરૂ કરે તે પહેલા અને કલેકટર આ સમયે આવી પહોંચતા તેમની ગાડીને ઘેરાવ કરતા ત્યાં હાજર પોલીસે રણજીત મુંધવા સહિત ૪ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી, આ લોકોએ સરકાર વિરૂધ્ધ સૂત્રો પોકાર્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહીત રાજયભરમાં કોરોના બેકાબુ બની ગયો છે કયાંય કોઈ દર્દીને દાખલ કરવા માટે એકપણ બેડ ઉપલબ્ધ નથી આવી પરિસ્થિતિમાં ગરીબ પ્રજા સાથે ભાજપે અમૃતમ કાર્ડમાં કોરોનાની સારવાર મળશે તેવી જાહેરાત કરીને લોકોની મજાક કરી છે બેડ જ ન હોય તો અમૃતમ કાર્ડનું શું કરવું જે પ્રજાએ તમને મત આપ્યા છે તે પ્રજાનું કામ કરવા માટે વોર્ડ વાઈઝ કંટ્રોલરૂમ ખોલવા જોઈએ અને કોરોનગ્રસ્ત દર્દીને કયાં સારવારમાં જવું તે અંગેનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ સબ સલામતના બણગા ફૂંકતી ભાજપ સરકારને આ વેઇટિંગમાં ઉભેલા દર્દીઓની લાઈનો નહિ દેખાતી હોય તેવો સણસણતો આક્ષેપ કોંગ્રેસના ડી પી મકવાણા, ગોપાલ અનડકટ, રણજિત મુંધવા અને ભાવેશ પટેલે કર્યો છે.

આ લોકો એ આજે કલેકટર કચેરી ખાતે ધરણા કરવાની જાહેરાત કરી હતી અને કલેકટર કચેરી એ આવ્યા ત્યારે એ સમયે જ કલેકટરની ગાડી આવતા તેની આડે ધસી જઇ ગાડી ને ઘેરાવ કર્યો હતો પરંતુ ઉપસ્થિત પોલીસે તમામ ચારેય કાર્યકરોની અટકાયત કરી લીધી હતી આ કાર્યકરોમાં રણજિત મુંધવા, ગોપાલ અનડકટ અને ભાવેશ પટેલનો સમાવેશ થાય છે.

રાજકોટ સહીત રાજયભરમાં કોરોનાએ માજા મૂકી છે જેને કાબુમાં લેવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના અગ્રણીઓ ડી પી મકવાણા, ગોપાલ અનડકટ, રણજિત મુંધવા અને ભાવેશ પટેલ સહિતનાઓએ ચૌધરી ગ્રાઉન્ડમાં સરકારના વિરોધમાં અનશન ઉપર બેસી જબરો વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે સરકારે ગરીબ પ્રજાજનો સાથે મશ્કરી સમાન નિર્ણય કર્યો છે એક તરફ શહેરની તમામ હોસ્પિટલો હાઉસફુલ છે એકપણ બેડ ઉપલબ્ધ નથી તેવી પરિસ્થિતિમાં નીમ્ભર સરકારે દરેક નાગરિકોને માં અમૃતમ કાર્ડ યોજનામાં ખાનગી હોસ્પિટલોમાં ફ્રી સારવાર મળશે તેવી જાહેરાત કરીને બુદ્ઘિનું પ્રદર્શન કર્યું છે જો કયાંય બેડ જ ખાલી ન હોય તો માં અમૃતમ કાર્ડનો શું ઉપયોગ થાય તે પણ વિચાર્યા વિના લોકોની મજાક સમાન નિર્ણય જાહેર કરીને પ્રજાને કોણીએ ગોળ ચોંટાડ્યો છે બીજી તરફ જે પ્રજાજનો પાસે મતની ભીખ માંગવા ઘરે ઘરે જતા હતા ત્યારે લોકોએ વિશ્વાસ મૂકીને મત આપ્યા હતા આજે એ જ વોર્ડમાં કોઈ ડોકાતું પણ નથી ત્યારે કોરોનગ્રસ્ત દર્દીઓને વહારે આવવું જોઈએ અને વોર્ડ વાઈઝ કંટ્રોલરૂમ ચાલુ કરી પોતાના જ વોર્ડમાંથી કોરોનગ્રસ્ત દર્દીઓને કયાં સારવાર મળશે તે અંગેની માહિતી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ તેમજ ચૂંટણી ટાણે ફંડ ઉઘરાવતી સરકાર અત્યારે કેમ મૂકપ્રેક્ષક બનીને બેઠી રહી છે અત્યારે લોકો માટે ફંડ ઉઘરાવીને લોકો માટે વધુ ને વધુ સુખ સુવિધા ઉપલબ્ધ કરાવી લોકોને મોતના મુખમાં જતા બચાવવા જોઈએ બીજી તરફ હોમ આઇસોલેટ દર્દીઓને જુદી જુદી જગ્યાઓથી ઓકસીઝન સિલિન્ડર મળી રહેશે તેવી જાહેરાત કરી હોવા છતાં લોકોને અનેક યાતનાઓ વેઠવી પડી રહી છે અને અંધાધૂંધી સર્જાઈ છે ત્યારે તેના માટે પણ ખાસ મેનેજમેન્ટ ગોઠવવું જોઈએ આટલી અગવડતાઓ વચ્ચે પણ સરકાર સબ સલામતના ગાણા ગાઈ રહી છે એક વખત બહાર નીકળીને હોસ્પિટલમાં જીવવા માટે કોઈના મરવાની કલાકો સુધી રાહ જોતા દર્દીઓ તરફ એક નજર કરો તો ખબર પડે આ લોકો કઈ શાકભાજી લેવા લાઈનમાં નથી ઉભા જીવવાની આશા સાથે કલાકો સુધી તડકામાં સેકાતા દર્દીઓની લાઈન શું આ આંધળી સરકારને નહિ દેખાતી હોય તેવા આક્ષેપ સાથે ગરીબ દર્દીઓની વહારે કોંગ્રેસ આવી હતી અને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

(3:13 pm IST)