રાજકોટ
News of Monday, 27th March 2023

ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટઃ ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા સાથે ચેકની પુરી રકમ ચુકવવાનો પણ મહે. રાજકોટ કોર્ટ દ્વારા આદેશ આપવમાં આવ્‍યો છે.

આ કેસની વિગત એવી છે કે રાજેશભાઇ રાજયગુરુ(આરોપી) દીપકભાઇ કારિયાના ફર્મ બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેકસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ટિકિટ બુકિંગની સર્વિસ વર્ષોથી લેતા હતા. આરોપીને પૈસાની જરૂર પડતા તેને દીપકભાઇનો સંપર્ક કર્યો અને કીધુ કે તે તેની પ્રોપર્ટી ઓછા ભાવે વેચવા માંગે છે. અને તે પ્રોપર્ટી લેવા દીપકભાઇ તૈયાર થઇ ગયા. તે પ્રોપર્ટી માટે દીપકભાઇ એ આરોપીને રૂા.૨૫,૦૦,૦૦૦ (રૂપિયા પચીસ લાખ પુરા) આપ્‍યા અને આરોપીએ ટુંક સમયમાં દસ્‍તાવેજ કરી દેવાનું પાકકુ વચન આપ્‍યું. પણ થોડા સમય બાદ આરોપીએ દીપકભાઇને કીધેલ કે તેમના પાસે કોઇ પ્રોપર્ટી નથી અને પૈસા પાછા માંગતા આરોપીએ ચેક આપેલો. તે ચેક ફંડ ઇન્‍સફીયન્‍સના શેરા સાથેપરત આવ્‍યું. ત્‍યારબાદ નોટીસ મોકલતા પણ લેણી રકમ પરત ન મળતા રાજકોટ કોર્ટમાં કેસ કરેલ  જેમાં કોર્ટએ ફરિયાદી અને આરોપી પક્ષના વકીલની દલીલ, રજુઆત અને પુરાવા ધ્‍યાને લેતા આરોપી રાજેશભાઇ રાજયગુરૂને વિવિધ કલમો હેઠળ દોશી ઠેરવીને કોર્ટે એ આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમ દિન ૬૦માં ચૂકવી દેવાનું હુકમ આપ્‍યુ. જો ચેકની રકમ દિન ૬૦માં ચુકવવામાં વિલંબ થશે તો હજુ ૩ મહિનાની કેદની સજા ભોગવવી પડશે તેવું પણ રાજકોટ કોર્ટે હુકમ કર્યો હતો.

ફરિયાદી દિપક કારિયા વતી રાજકોટના જાણીતા એડવોકેટ અમન શ્રોત્રિય અને તેની ફર્મ શ્રોત્રિય એસોસિએટેસ એલ.એલ.પીની ટીમ રોકાઇ હતી.

(5:01 pm IST)