રાજકોટ
News of Monday, 27th March 2023

ગંજીવાડામાં પત્‍નિની છેડતીના ઝઘડામાં પતિની થયેલ હત્‍યાના કેસમાં પકડાયેલ મુખ્‍ય આરોપી વિજય ડાભીને ૧૦ વર્ષની સજા

અન્‍ય બે આરોપીને છ-છ માસની સજાઃ મુખ્‍ય આરોપીને સાપરાધ મનુષ્‍ય વધ હેઠળ ગુનેગાર ઠરાવી કોર્ટે સજા ફટકારી અધિક સેસન્‍સ જજશ્રી પ્રશાંત જૈનનો ચુકાદો

રાજકોટ,તા.૨૭ : વર્ષ ૨૦૧૪માં મરણજનાર અરવિંદ ચનાભાઇ ચૌહાણની પત્‍નીની છેડતી કરવા બદલ ગુજરનારે આરોપીઓને ટપારતા ઝગડાએ મોટુ સ્‍વરૂપ લઇ લીધેલ જેના અંતે સમાધાન થઇ ગયેલ હતું. પરતું બનાવના એક વર્ષ બાદ અરવિંદ ચનાભાઇ ઉપર આરોપીઓ જેરામ ઉર્ફે જેમાભાઇ ભલાભાઇ ડાભી, ભરત ભલાભાઇ ડાભી, મનસુખ ભલાભાઇ ડાભી, વિજય જેરામભાઇ ડાભીએ હુમલો કરી હત્‍યા કરેલ જેમાં રાજકોટના મ્‍હે. અધિક સેશન્‍સ જજ શ્રી પ્રશાંત જૈને આરોપી વિજય જેરામભાઇ ડાભીને સાપરાધ મનુષ્‍ય વધના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફરમાવેલ છે તેમજ જેરામભાઇ ભલાભાઇ ડાભી અને ભરત ભલાભાઇ ડાભીને ગંભીર ઇજાઓ પહોંચાડયાના ગુન્‍હા સબબ છ માસની કેદની સજા ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા. ૯/૧/૨૦૧૪ના રોજ બપોરના સમયે મરણજનાર અરવિંદ ચનાભાઇ ચૌહાણ પોતાના મોટર સાઇકલ ઉપર ગંજીવાળા શેરી નં. ૪૬ના ખૂણે ચોકમાં બેઠેલ હતા. ત્‍યારે ચારેય આરોીઓને આવી મરણજનારના મોટર સાયકલ સાથે પોતાના મોટર સાયકલ ભટકાડેલ. આથી મરણજનાર પોતાના મોટર સાયકલ ઉપરથી પડી ગયેલ ત્‍યારે ચારેય આરોપીઓએ તેને ઢીકાપાટુ અને ધોકાથી માર મારવાનું ચાલુ કરેલ. ત્‍યારબાદ જેરામ ડાભી અને મનસુખ ડાભીએ મરણજનાર અરવિંદ ચનાભાઇ ચૌહાણને ઉભો કરી બંને બાજુથી પકડી રાખેલ ત્‍યારે સહઆરોપી વિજય જેરામભાઇ ડાભીએ મરણજનારને પેટ અને ગળાના ભાગે છરીઓથી ઇજાઓ કરી મોત નિપજાવેલ હતું. આ કેસની પોલીસ તપાસ પુરી થયા બાદ આરોપી વિજય જેરામભાઇ ડાભી વિરૂધ્‍ધ હત્‍યાના ગુન્‍હા સબબ અને ત્રણ સહ આરોપીઓ વિરૂધ્‍ધ મદદગારી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતું.

આ કેસ ચાલી જતા શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી એસ. કે. વોરાએ દલીલ કરતા જણાવેલ હતું. કે આ કેસમાં બન્ને પક્ષોએ સામસામી ફરીયાદ આપેલ છે. જેમાં આ કેસના આરોપી વિરૂધ્‍ધ હત્‍યાના ગુન્‍હાનો ચાર્જ છે અને સામા પક્ષે શારીરિક ઇજા પહોંચાડયા અંગેનો ચાર્જ છે.  મરણજનાર અને ચારેય આરોપીઓનું લોહીનું ગ્રુપ સમાન હતું તેથી બચાવ પક્ષે દલીલ કરવામાં આવેલ હતી કે આરોપીઓના કપડા ઉપરનું લોહી મરણજનારનું છે તેમ કહી શકાય નહીં અને તેથી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા જોઇએ.

જવાબમાં શ્રી સરકાર તરફે જણાવવામાં આવેલ કે આ કેસમાં આરોપીઓએ આપેલ ફરીયાદમાં તેઓ હોસ્‍ટાઇલ જાહેર થયેલ છે અને તેઓને કોઇ જ ઇજાઓ થયેલ નથી તેમ સોગંદ ઉપરની જૂબાનીમાં જણાવે છે. જયારે આરોપીઓની આ મતલબની જૂબાની હોય ત્‍યારે તેઓના કપડા ઉપર આવેલ લોહી મરણજનારનું જ હોવાનું અનિવાર્ય અનુમાન થાય છે કારણ કે આરોપીઓ પોતાને કોઇ ઇજાઓ થયેલ હોવાનું જણાવતા નથી.

આરોપીઓને તકસીરવાન ઠરાવવા માટે આ એકમાત્ર સાયન્‍ટીફીક પુરાવો પુરતો છે.

બનાવની જગ્‍યા અને બનાવના સમય અંગે આરોપીઓ વતી ઉલટ તપાસમાં જે વિસંગતતાઓ લાવવામાં આવેલ છે તેનું પુરાવાની દ્રષ્‍ટિએ કોઇ મુલ્‍ય નથી. કારણ કે આરોપીઓ પોતે આપેલ ફરીયાદમાં હોસ્‍ટાઇલ જાહેર થયેલ છે.

શ્રી સરકાર તરફેની આ દલીલોના અંતે અધિક સેશન્‍સ જજ શ્રી પ્રશાંત જૈને આરોપી ભરતભાઇ ભલાભાઇ ડાભી અને જેરામભાઇ ભલાભાઇ ડાભીને ગંભીર ઇજાઓ પહોંચાડયાના ગુન્‍હા સબબ છ માસની કેદની સજા ફરમાવેલ છે તેમજ મુખ્‍ય આરોપી વિજય જેરામભાઇ ડાભીને સાપરાધ મનુષ્‍ય વધના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી દશ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફરમાવેલ છે.

આ કેસમાં શ્રી સરકારે ખાસ આદેશ કરી જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરાને ખાસ નિમણુંક આપેલ હતી.

સંજયભાઇ વોરા

જીલ્લા સરકારી વકીલ

 

(4:58 pm IST)