રાજકોટ
News of Monday, 27th March 2023

સનાતન હિન્‍દુ સંગઠન દ્વારા રામનવમીએ વિશાળ શોભાયાત્રા

ગુરૂવારે સવારે ૯ વાગ્‍યે જુના ગણેશનગર રામજી મંદિરેથી પ્રસ્‍થાન અને બપોરે ૧૨ વાગ્‍યે રણુજા મંદિરે સમાપન : જય જય શ્રીરામના નાદ ગુંજશે : ૫૦ બાઇક સ્‍કુટરનું પાયલોટીંગ : બાળકો વિવિધ વેશભુષામાં જોડાશે : બપોરે ફરાળી મહાપ્રસાદની વ્‍યવસ્‍થા

રાજકોટ તા. ૨૭ : સનાતન હિન્‍દુ સંગઠન પ્રેરિત આંતર રાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ, રાષ્‍ટ્રીય બજરંગદળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમીએ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ સતત ત્રીજા વર્ષે શ્રીરામ નવમીની શોભાયાત્રાનું અમારૂ આયોજન છે. જેમાં વિશાળ રથ તૈયાર કરી તેમાં શ્રીરામની વિશાળ તસ્‍વીર બીરાજમાન કરાશે. આગળ ૫૦ જેટલા સ્‍કુટર બાઇક પાયલોટીંગ કરશે. બાળકો પણ જુદા જુદા પાત્રોની વેશભુષા ધારણ કરી જોડાશે. અંદાજીત ૩૦ જેટલા વાહનો સાથે ૧૦ હજારથી વધુ લોકો આ શોભાયાત્રામાં જોડાશે.

જય જય શ્રીરામના નારા સાથે આ શોભાયાત્ર રામનવમીના તા. ૩૦ ના ગુરૂવારે સવારે ૯ વાગ્‍યે શ્રીરામજી મંદિર, જુના ગણેશનગર શેરી નં. ૩ ખાતેથી પ્રસ્‍થાન થશે અને જુના ગણેશનગર, મુરલીધર ચોક, ડી. કે. ચોક, ધનંજય હોલ સર્વીસ રોડ, કોઠારીયા ચોકડી, તિરૂપતિ પાણીના ટાંકા પાસે, મોટલ ચોક, વિવેકાનંદ સ્‍કુલ થઇને બપોરે ૧૨ વાગ્‍યે રણુજા મંદિર, કોઠારીયા રોડ ખાતે સમાપન પામશે.

શોભાયાત્રા સમાપન સમયે તમામ ભાવિકજનો માટે ફરાળી મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

સમગ્ર યાત્રાને સફળ બનાવવા આ.રા.હિન્‍દુ પરિષદ, રાષ્‍ટ્રીય બજરંગદળના પ્રાંત મંત્રી જેન્‍તીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શહેર પ્રમુખ દિલીપભાઇ સોલંકી, ઉપપ્રમુખ દાનાભાઇ આહીર, જયવીરસિંહ જાડેજા, ભુપતભાઇ બવા, વિજયભાઇ સુસર, પ્રભાતભાઇ જળુ, રામભાઇ ડાંગર, ધર્મેશભાઇ કિહોર, અશ્વિનભાઇ ગોહિલ, વજુભાઇ મેતા, ચંદુભાઇ ડાંગર, ભરત છૈયા, લાખાભાઇ ડાંગર, રમેશભાઇ બાંભવા, જીજ્ઞેશભાઇ આહીર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે વિગતો વર્ણવતા જેન્‍તીભાઇ પટેલ, દિલીપભાઇ સોલંકી, દાનાભાઇ આહીર, જયવીરસિંહ જાડેજા, પ્રભાતભાઇ જળુ, અશ્વિનભાઇ ગોહિલ, રવિભાઇ બાંભવા, રમેશભાઇ બાંભવા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:10 pm IST)