રાજકોટ
News of Monday, 27th March 2023

મધ્‍યાહન ભોજન યોજનાના નવા મેનુમાં અનેક વિસંગતતાઃ પ૦ ગ્રામ સુખડી પ ગ્રામ તેલમાં કેમ બનાવવી

ઓલ ગુજરાત મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળનો શિક્ષણ મંત્રીને વિસ્‍તૃત પત્ર... માનદ વેતનમાં પણ અનેક ભેદભાવઃ દાળ-કઠોળની હજુ ખરીદી થઇ નથી...

રાજકોટ તા. ર૭: ગુજરાત રાજય મધ્‍યાહન ભોજન કર્મચારી મંડળે શિક્ષણ મંત્રીને પત્ર પાઠવી મધ્‍યાહન ભોજન યોજનાના મેનુમાં વિસંગતતા હોય તે દૂર કરવા તથા વેતન અને અન્‍ય લાભો અંગે માંગણી કરી છે.

પત્રમાં જણાવેલ કે રાજય સરકારે ર૪-૩-ર૦રર થી નવું મેનુ બનાવ્‍યું તેમાં ઘણી મોટી ક્ષતિ રહેવા પામી છે. સુખડી માટે અલગથી ઘઉં આપવામાં આવતા નથી. તે વિસંગતતા દૂર કરવા માંગણી છે, તે ઉપરાંત સુખડી માટે અલગથી કુંકીંગ કોસ્‍ટમાં વધારો કરવામાં આવે.

નવા મેનુમાં ભોજન-નાસ્‍તો બનાવવા માટે રાજય સરકારે કોઇપણ વધારાનો નાણાકીય બોજ ફાળવ્‍યો નથી, વધારાનું વેચન પણ અપાતું નથી. મરી-મસાલા-ગેસનો પણ વપરાશ વધુ થાય છે, કયારે નાસ્‍તો આપવો-કયારે ભોજન આપવું તેનો કોઇ ઉલ્લેખ નથી, અમુક જીલ્લામાં તુવેરદાળ તો અમૂક જીલ્લામાં ચણા દાળ હોય એકસૂત્રતા જળવાતી નથી.

આ ઉપરાંત રોકડમાં કન્‍ટીજન્‍સી આપવામાં આવે તો ઘણો હલ નીકળી શકે તેમ છે. સુખડીમાં પ૦ ગ્રામ લોટ સામે માત્ર પ ગ્રામ તેલ અપાય છે, આમાં સુખડી બનાવવી કેમ તેવો પ્રશ્‍ન પણ ઉઠાવાયો છે. તથા ૧૦ ગ્રામ ચણામાં નાસ્‍તો કઇ રીતે તે ગંભીર પ્રશ્‍ન છે, નવું મેનુ અમલમાં આવ્‍યું ત્‍યારથી ચણાદાળ, મગદાળ, કાચા મગ-કઠોળની ખરીદી રાજય સરકારે કરી નથી... આથી મેનુ મુજબ જથ્‍થો બનાવવો કેમ, પરિણામે નાઈતો રદ કરી માત્ર ભોજન આપવાની માંગ છે.

રાજય સરકારે ર૦રર માં વેતન વધારો કર્યો પરંતુ તેમાં અમુક જીલ્લામાં ખોટા અર્થઘટનને કારણે મદદનીશને અમુક જીલ્લામાં રપ૦૦ તો અમુક જીલ્લામાં માત્ર ૧ હજાર ચુકવાય છે...આથી ઠરાવ મુજબ વેતન ચુકવાય તે જરૂરી છે. તથા કર્મચારીની વય મર્યાદા ૬૦ની છે તે ૬પ કરવાની પણ પત્રમાં માંગ કરાઇ છે.

(5:35 pm IST)