રાજકોટ
News of Friday, 27th March 2020

કોરોનાના પ્રત્યેક ટેસ્ટ પાછળ સરકાર ૧૦ હજાર ખર્ચે છે

શંકાસ્પદના ગળામાંથી નમૂનો લઇને ટેસ્ટ કરવામાં આવે છે : રાજકોટ શહેર અને જીલ્લામાંથી અત્યાર સુધીમાં ૬૯ ટેસ્ટ કરાયા તેમાંથી ૫ પોઝીટીવ છે : જામનગર અને પુના ખાતે ટેસ્ટ કરાઇ રહ્યા છે

રાજકોટ તા. ૨૭ : કોરોના સંક્રમણને રોકવા શંકાસ્પદ વ્યકિતઓને આઇસોલેશન વોર્ડમાં રાખીને તેના લોહી વગેરેની ખાસ લેબોરેટરી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રત્યેક ટેસ્ટ પાછળ સરકારને રૂ. ૧૦ હજારનો ખર્ચ થાય છે.

આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કોરોનાનું સંક્રમણ રોકવા સરકારે લોકડાઉન સહિતના કડક પગલા લીધા છે. આ દરમિયાન ડોર ટુ ડોર સર્વે વગેરે દ્વારા કોરોના સંક્રમણના શંકાસ્પદ લોકોને અલગથી આઇસોલેશનમાં રખાઇ રહ્યા છે.

રાજકોટના આરોગ્ય તંત્ર દ્વારા પણ અત્યાર સુધીમાં ૬૯ વ્યકિતઓને આઇસોલેશનમાં રાખી અને તેઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આ ટેસ્ટ માટે ગળામાંથી લોહી વગેરે લઇ અને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવે છે.

કોરોના અંગેનો ટેસ્ટ પુનાની લેબોરેટરીમાં થાય છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં પણ કરવામાં આવે છે. રાજકોટ શહેર - જિલ્લાના તમામ રિપોર્ટની જામનગર ખાતે તપાસ કરાવવામાં આવી રહી છે.

આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ રાજકોટમાંથી લેવાયેલા કોરોના ટેસ્ટના ઉકત ૬૯ પૈકી માત્ર પાંચ વ્યકિતઓનાં જ ટેસ્ટ અત્યાર સુધીમાં પોઝીટીવ આવ્યા છે.

આમ, સમગ્ર દેશમાં જોઇએ કોરોના ટેસ્ટ પાછળ પ્રત્યેક વ્યકિત દીઠ રૂ. ૧૦ હજાર લેખે લાખો રૂપિયાનો ખર્ચ દરરોજ સરકાર કરી રહી છે.

(4:18 pm IST)