રાજકોટ
News of Friday, 27th March 2020

પંચનાથ મહાદેવ ટ્રસ્ટ અને ઝીંકસ ગ્રુપ દ્વારા કવોરાન્ટાઇન કુટુંબો માટે શાકભાજીની સેવા

હાલમાં જયારે રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર વર્તાય રહયો છે ત્યારે કોર્પોરેશન દ્વારા ૮૦૦ જેટલા કુટુંબોને કવોરાન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. આ કુટુંબોને ૧૪ દિવસ સુધી ઘર બહાર ન નીકળવાની કડક સૂચનાનો અમલ કરવાનો છે. ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ એટલે શાકભાજી આ કુટુંબોના ઘર સુધી વિનામૂલ્યે પંચનાથ મહાદેવ ટ્રસ્ટ અને ઝીંકસ ગ્રુપ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે. જેથી કરીને આ કુટુંબો એ બહાર નીકળવું ના પડે. પંચનાથ મહાદેવ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા આ તમામ ૮૦૦ કુટુંબને ફોન કરવામાં આવ્યા અને ટેલીફોનીક તેમની જરૂરિયાત નોંધવામાં આવી. શાકભાજીમાં ટમેટા, બટેટા, કોબીચ, ફલાવર, રીંગણા, કોથમીર, મરચાં, આદુ, લીંબુ, લીમડો વગેરેનું વિતરણ કરવામાં આવ્યું છે. ઝીંકસ ગ્રુપ દ્વારા પોતાની મારૂતી ઇકો ગાડીમાં તેમના કાર્યકર દ્વારા વિતરણ થઈ રહયું છે. ટેલીફોન કરવામાં કાર્યકરો રમીઝભાઈ, ડોલીબેન, વૈદકાકા, દીવ્યેશભાઈ એ સેવા આપેલ છે. પંચનાથના ટ્રસ્ટી વસંતભાઈ જસાણી, કાર્યકર હિતેશભાઈ પરમાર, રવિભાઈ બગડા અને સૌકતભાઈ દ્વારા માર્કેટીંગ યાર્ડથી આ શાકભાજી જથ્થાબંધ ખરીદવામાં આવેલ. બાદમાં વિતરણ શરૂ કરાયું. શાકભાજી પહોંચાડવા માટે વલ્લભદાસ કારીયા, દેવાંગ દુધરેજીયા, યોગેશભાઈ ભટ્ટ, રાજુ ભટ્ટી, વિશ્નુ આમેટા, કમલ ત્રિવેદી વગેરે કાર્યરત છે. શ્રીમતી અંજલિબેન રૂપાણી તથા મેયર બીનાબેન આચાર્યના માર્ગદર્શનમાં આ સેવા કાર્ય માટે કોર્પોરેશનમાં કમિશનર ઉદીત અગ્રવાલ સાથે પંચનાથ ટ્રસ્ટ વતી પ્રમુખશ્રી દેવાંગ માંકડ અને ઝીંકસ ગ્રુપના વિપુલ વાઘેલા દ્વારા સંકલન કરવામાં આવેલ. પંચનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મયુરભાઈ શાહ, તનસુખભાઈ ઓઝા, મનુભાઈ ગોહેલ વગેરે આ સેવા કાર્યમાં જહેમત ઉઠાવી રહયા છે. હવે પછી કવોરાન્ટાઈન માં રહેલા પરિવારને ફરીથી ફોન પર તેમની જરૂરિયાત પૂછીને રવિવારે અને સોમવારે શાકભાજી ફરીથી પહોંચાડવા આ ગ્રુપે તૈયારી દર્શાવી છે.

(3:49 pm IST)