રાજકોટ
News of Saturday, 27th February 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીના ૪૮ કલાક પહેલા શહેર પોલીસનું કડક પેટ્રોલીંગ-ચેકીંગ

જીલ્લા-તાલુકા પંચાયતની કાલની ચૂંટણીમાં રાજકોટ શહેરની હદના ૧૫૮ મતદાન મથકો પર ૧૩૦૦ જવાનોનો બંદોબસ્ત

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરી-માર્ગદર્શનમાં અધિકારીઓ-ટીમો સતત તૈનાત રહેશે : ૮ ચેકપોસ્ટ પર સતત સઘન વાહન ચેકીંગ-૪૫૮ વાહન ચેક કરાયાઃ ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગઃ હોટેલ, ધાબા, ધર્મશાળા ચેક કરાયાઃ હિસ્ટ્રીશીટરો, તડીપાર શખ્સો અંગે ચેકીંગ

રાજકોટ તા. ૨૭: આવતીકાલે રાજકોટ જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી યોજાઇ છે ત્યારે જીલ્લા પોલીસની સાથે શહેર પોલીસ પણ સતર્ક બની છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે અને ચુંટણી પ્રક્રિયા શાંતિપુર્ણ રીતે થાય તેમજ મતદારોને કોઇ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અલગ-અલગ જાહેરનામાઓ બહાર પાડી તેનું કડક પાલન કરાવ્યું છે. ચુંટણીના ૪૮ કલાક પહેલા કડક પેટ્રોલીંગ અને ૮ ચેકપોસ્ટ પર કડક વાહન ચેકીંગ કરવામાં આવ્યું છે.

શહેરના મુખ્ય હાઇવેથી શહેરમાં આવતાં રસ્તાઓ પરની આઠ અલગ અલગ ચેકપોસ્ટ પર ૪૮ કલાકમાં ૪૫૮ વાહનો ચેક કરી લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં મતદાન થવાનું છે ત્યાં ફૂટ પેટ્રોલીંગ પણ કરાયું છે. કોમ્બીંગ નાઇટ પણ યોજવામાં આવી હતી. ૫૬ જેટલા હોટેલ, ધાબા, મુસાફરખાના, ધર્મશાળા ચેક કરવામાં આવ્યા હતાં. ૨૨ જેટલા ફાર્મ હાઉસ પણ ચેક કરાયા હતાં. નાસતા ફરતા ૧૬ આરોપીઓ, પેરોલ પર છુટેલા ૧૫ શખસો, ૭૯ જેટલા શંકાસ્પદ સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન ચેક કરાયા છે. હિસ્ટ્રીશીટરો અને તડીપાર થયેલા શખ્સોનું પણ ચેકીંગ થયું છે. જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા વખતે બહારની વ્યકિતઓ રોકાણ કરે નહિ તેની પણ તકેદારી રાખવામાં આવી છે.

મતદાન મથકમાં મોબાઇલ લઇ જઇ શકાશે નહિ. બુથથી સો મીટરની અંદર કોઇ વાહન લઇને આવી શકશે નહિ. આ માટે પોલીસ સતત સતર્ક કરેશે. રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં મતદાનના દિવસે રાજકોટ શહેરની હદમાં આવેલા ૧૫૮ મતદાન મથકો પર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, એસઆરપી, હોમગાર્ડ મળી ૧૩૦૦ અધિકારીઓ-કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત રહેશે. સેકટર પેટ્રોલીંગ, ગ્રુપ પેટ્રોલીંગ પણ રાઉન્ડ ધ કલોક રખાશે. કન્ટ્રોલ રૂમમાં રિઝર્વ અધિકારીઓ, ફોર્સ રાખવામાં આવશે. કયુઆરટી પણ ફાળવવામાં આવી છે. મતદાનને દિવસે મતદારોએ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરી માસ્ક સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ જરૂરી નિયમોનું પાલન કરવાનું રહેશે.

(12:45 pm IST)