રાજકોટ
News of Thursday, 27th February 2020

૨૩ વર્ષિય પુત્રના નામ પાછળથી પિતાનું નામ હટાવી માતાનું નામ-અટક ઉમેરવા હાઇકોર્ટનો આદેશ

રાજકોટ તા. ૨૭: માતા-પિતા વચ્ચેના ગૃહકંકાશ બાદ આપઘાત કરી લેનાર માતાનું નામ અને અટક પોતાના નામ સાથે ઉમેરવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ૨૩ વર્ષિય પુત્ર કોૈશલ ચાવડાએ અરજી કરી હતી. આ અરજી સંદર્ભે મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગે તેના પિતાનું નામ હટાવવાની સત્તા નહિ હોવાનું જણાવી પિતાના નામ સાથેનું જ સર્ટિફિકેટ આપ્યું હતું. આ બાબતે કોૈશલ ચાવડાએ હાઇકોર્ટમાં દાદ માંગી હતી. આ અન્વયે હાઇકોર્ટએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકોર કરતાં જણાવ્યું હતું કે દેશમાં અનેક વિભુતિઓ પોતાના નામ પાછળ પિતાના નામને બદલે માતાનું નામ લખાવે છે. કાયદામાં પણ જોગવાઇ છે, તો તમને નામ અને અટક બદલવામાં શું તકલીફ છે? એવો વેધક પ્રશ્ન કરી બે મહિનામાં નવું સર્ટિફિકેટ ઇશ્યુ કરવા આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનિય છે કે અજરદાર એક વર્ષનો હતો ત્યારે તેની માતા દક્ષાબેને પતિના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. હાલમાં એમબીએ થયેલા ૨૩ વર્ષના કોૈશલે પોતાના પિતાનું નામ હટાવી માતાનું નામ અને અટક દાખલ કરવા માંગણી કરી હતી. જે અંતર્ગત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એકટ ૧૯૬૯ના રૂલ ૧૧ મુજબ જન્મમરણ નોંધણી વિભાગ પાસે સત્તા છે છતાં પણ નનૈયો ભણવામાં આવ્યો હતો. આ સંદર્ભે હાઇકોર્ટએ બે મહિનામાં માતાનું નામ અને અટક દાખલ કરવા હુકમ કર્યો છે.

(4:27 pm IST)