રાજકોટ
News of Thursday, 27th February 2020

પ્લોટ વેચાણનો અવેજ પરત આપવાના બહાને આપેલ

જુદી જુદી છ ચેક રીટર્નની ફરીયાદમાં આરોપીને દરેક કેસમાં એક-એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા., ૨૭: રાજકોટમાં લક્ષ્મીવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં શેરી નં. ૪/૧૪માં વૃજ નિવાસ તરીકે ઓળખાતા બિલ્ડીંગમાં રહેતા અનિલકુમાર મનસુખલાલ પરમાર તથા તેમના પત્ની અલ્કાબહેન પરમારના ચેક ડીસઓનર થતા રાજકોટ કોર્ટએ કુલ છ ફરીયાદ અનુસંધાને દરેક કેસમાં એક-એક વર્ષની સજા તથા બે કેસમાં સજા ઉપરાંત ચેક જેટલી રકમ ફરીયાદીને ચુકવવા આદેશ કરેલ છે.

ફરીયાદોની વિગત મુજબ આરોપી અનિલકુમાર મનસુખલાલ પરમારએ રાજકોટના રે.સ.નં. પ૧૭, પ૧૮ના માલીક છે અને તેના પ્લોટમાં  વેચાણ આપવાનું ફરીયાદીઓ સાથે નક્કી કરી તેની પાસેથી પ્લોટના અવેજ તરીકે રકમો મેળવેલ જેમાં કિશોરભાઇ સવજીભાઇ લીંબાણી નામના ફરીયાદી પાસેથી રૂ. ૩,૧પ,૦૦૦ મેળવેલ. રાજેશભાઇ બદ્રકીયાના પાસેથી રૂ. ર,૮પ,૦૦૦ મેળવેલ તથા મેઘદુતભાઇ શાંતીલાલ પરમાર પાસેથી રૂ.ર૦,પ૦,૦૦૦ પ્લોટ વેચાણના અવેજ તરીકે મેળવેલ.

પરંતુરકમો પ્રાપ્ત કર્યા બાદ આરોપીએ પ્લોટનો કબ્જો નહી આપતા અને વેચાણ દસ્તાવેજ નહી કરતા ઉપરોકત ફરીયાદીઓએ રાજકોટ યાર્ડમાં અલગ-અલગ ફરીયાદ કરેલ. જેમાં મેઘદુત શાંતીલાલ પરમારએ ચાર અલગ ચેકના આધારે આરોપી સામે કુલ ૪ ફરીયાદ દાખલ કરેલ. જેમાં રૂ. ૯,પ૦,૦૦૦નો તથા રૂ. ૭પ,૦૦૦ નો ચેક અનિલભાઇ પરમાર તથા તેમના પત્ની અલકાબેન પરમારએ ફરીયાદીની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ. જે બંને ચેક ડીસઓનર થતા નોટીસ આપવા છતાં આરોપીઓએ ફરીયાદીને ડીસઓનર થયેલ ચેકની રકમ નહી ચુકવતા બંને આરોપીઓ સામે રાજકોટ કોર્ટમાં બે અલગ ફરીયાદ થયેલ અને મેઘદુતભાઇની તરફેણમાં અનિલભાઇ પરમારએ રૂ. પ,૧ર,પ૦૦નો એક એવા બે ચેક ઇસ્યુ કરી આપેલ જે બંન્ને પણ ડિસઓનર થતા આરોપીને ચેક ડિસઓનરની જાણ કરતી નોટીસ પાઠવવા છતાં જે તે બંન્ને ચેકનું પેમેન્ટ ચુકવવા અનિલભાઇ પરમારએ દરકાર નહી કરતા તેની સામે વ્યકિતગત કેપેસીટીની અન્ય બે ફરીયાદ દાખલ કરવામાં આવેલ. ઉપરોકત વિગતે મેઘદુતભાઇ પરમારએ ઉપરોકત આરોપીઓ સામેને ઇ.એકટ કલમ ૧૩૮ અન્વયે કુલ ૪ ફરીયાદ દાખલ કરેલ.

તેમજ રાજેશ બદ્રકીયાનું બાકી લેણું કબુલ રાખી તેની તરફેણમાં ઇસ્યુ કરી આપેલ રૂ. ર,૮પ,૦૦૦નો ચેક તથા કિશોરભાઇ લિંબાણીનું બાકી લેણું કબુલ રાખી, ઇસ્યુ કરી આપેલ ૩,૧પ,૦૦૦નો ચેક પણ ડીસઓનર થતા તે બંને ફરીયાદીઓએ પણ આરોપી અનિલકુમાર મનસુખલાલ પરમાર સામે ને ઇ.એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

ઉપરોકત છએ ફરીયાદમાં કોર્ટએ બંને પક્ષકારોનો વિગતવાર પુરાવો, જુબાની વિગેરે તપાસેલ અને બંને પક્ષકારોને સાંભળી..(એ) મેઘદુતભાઇ શાંતીલાલ પરમારની બે ફરીયાદ કે જેમાં અનિલભાઇ પરમાર અને અલ્કાબેન પરમારએ સંયુકત રીતે ચેક ઇસ્યુ કરી આપેલ તેમાં જે ચેકમાં અલ્કાબેન પરમારની સહી હતી. તે ફરીયાદમાં તેણીને એક વર્ષની સજા તથા દંડનો હુકમ ફરમાવેલ છે અને દંડની રકમ જમા ન કરાવે તો વિશેષ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. તેમજ જે ચેકમાં પતિ-પત્ની બંનેની સહી છે તે ફરીયાદમાં પતિ-પત્ની બંન્નેને એક વર્ષની સજા તથા દંડનો હુકમ ફરમાવેલ છે અને દંડની રકમ જમા ન કરાવે તો વિશેષ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. (બી) મેઘદુતભાઇ શાંતીલાલ પરમારની બે ફરીયાદ કે જેમાં અનિલભાઇ પરમાર ચેક ઇસ્યુ કરી આપેલ તેમાં અનિલભાઇ પરમારને એક વર્ષની સજા તથા દંડની હુકમ ફરમાવેલ છે અને દંડની રમ જમા ન કરાવે તો વિશેષ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. (સી) રાજેશભાઇ બદ્રકીયા તથા કિશોરભાઇ લીંબાણીની ફરીયાદમાં અનિલભાઇ પરમારને એક વર્ષની સજા તથા દંડનો હુકમ ફરમાવેલ છે અને દંડની રકમ જમા ન કરાવે તો વિશેષ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે અને વિશેષમાં ચેક મુજબની રકમ રૂ. ર,૮પ,૦૦૦ તથા રૂ. ૩,૧પ,૦૦૦ સબંધીત ફરીયાદીને વળતર હુકમની તારીખથી ૬૦ દિવસમાં ચુકવવા આદેશ કરેલ છે. ઉપરોકત ચેક ડીસઓનરની છ ફરીયાદોમાં ફરીયાદી વતી વિકાસ કે.શેઠ, બ્રીજ શેઠ, અલ્પા શેઠ,  રાજદીપ દાસાણી તથા વિવેક ધનેશા, રાજ રતનપરા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(4:02 pm IST)