રાજકોટ
News of Thursday, 27th February 2020

રાજકોટમાં નવુ ચિલ્ડ્રન હોમ - દસ્તાવેજ નોંધણી કચેરી મોડેલ બનાવાશે

રાજ્ય સરકારના વિકાસલક્ષી બજેટને બિનાબેન, ઉદયભાઇ, અશ્વિનભાઇ તથા દલસુખભાઇ, અજયભાઇ સહિતના પદાધિકારીઓએ આવકાર્યુ છે

રાજકોટ તા. ૨૭ : ગુજરાત વિધાનસભામાં નવા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નુ અંદાજપત્ર રજુ થયું છે. જેમાં રૂ.૬૦૫.૪૩ કરોડની પુરાંત દર્શાવવામાં આવેલી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલતા, પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતા સાથે ગુજરાત સરકાર વિકાસશીલતા તરફ આગળ વધી રહી છે. ગુજરાત રાજય સમગ્ર દેશનું રોલ મોડેલ બનેલું છે. અને હવે રાજયને ઉત્ત્।મથી સર્વોત્ત્।મ સુધી લઇ જવાનું છે. તમામ વર્ગોને ધ્યાને લઇ આ બજેટ રજુ કરવામાં આવેલ છે. જે બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલનો મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમારે આભાર વ્યકત કર્યો હતો.

રાજ્ય સરકારના બજેટને આવકારતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, નાણામંત્રી નીતિનભાઈ પટેલએ 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે તમામ વર્ગને ધ્યાનમાં રાખી, બજેટ આપેલ છે.  આ બજેટમાં રાજકોટ તથા ભાવનગરની મેડીકલ કોલેજમાં સુવિધા વધારવા રૂ.૭૩ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. તેમજ રાજકોટમાં નવું ચિલ્ડ્રન હોમ બનાવવા, રાજકોટની દસ્તાવેજ નોંધણી કચેરીને મોડેલ બનાવવા, રાજકોટ સહિતના રાજયના અન્ય મહાનગરોમાં શ્રમિકોને પોતાના કામકાજના સ્થળેથી આવવા જવા સિટી બસમાં રાહતદરે મુસાફરી, રાજકોટ સહિત ૦૬ શહેરોમાં મૂંગા પશુ અને પક્ષીઓની સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ માટે રૂ.૧૩ કરોડની ફાળવણી સહિત વિવિધ યોજના માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે.

આમ સંવેદનશીલ સરકાર દ્વારા સામાન્ય વર્ગ, મહિલાઓ, ખેડુતો, શ્રમિકો, વૃધ્ધો સહિત સમાજના તમામ વર્ગને ધ્યાને લઇ વિકાસલક્ષી બજેટ આપવામાં આવેલ છે. જે ગુજરાત રાજયના વિકાસને વેગવંતો બનાવશે.

(3:52 pm IST)