રાજકોટ
News of Thursday, 27th February 2020

પોલીસ હેડકવાર્ટરમાં આકાર પામ્યું ભવ્ય અંબાજી મંદિરઃ ૩૧ દેવી અને દેવતાઓની મૂર્તિઓની સ્થાપના થશેઃ ભાવભેર સામૈયા થયા

કાલથી પ્રાણ-પ્રતિષ્ઠા ઉત્સવઃ ૧લી માર્ચે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ મહા આરતી યોજાશે

રાજકોટ :  શહેર પોલીસ હેડ કવાર્ટર ખાતે અંબાજી માતાજીના જુના મંદિરનો જીર્ણોધાર કરી આશરે ત્રણેક કરોડ ના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે જે મંદિરમાં કુલ ૩૧ દેવ દેવીઓની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાની છે. તે તમામ મૂર્તીઓ રાજસ્થાના જયપુર ખાતેથી અત્રે પોલીસ હેડ કવાર્ટર ખાતે લાવવામાં આવતા ગઇકાલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ તથા તેના પરિવારના સભ્યો તેમજ આમ જનતાના માણસો સાથે મળી મોટા સમુદાયમાં વાજતે ગાજતે પોલીસ બેન્ડ તથા ડી.જે. સાથે તમામ દેવ દેવીઓના સ્વાગત સાથે ભવ્ય સામેૈયા કરવામાં આવેલ હતા તેમજ આ સમગ્ર કાર્યક્રમમાં પોલીસ તથા પોલીસ પરિવારના સભ્યો તેમજ રાજકોટ શહેરની આમ જનતાએ મોટાપ્રમાણમાં ભાગ લઇ ઉત્સાહભેર તમામ દેવ દેવીઓના વધામણા કરેલ હતા. તેમજ તા. ર૮ ના કલાક ૮-૩૦ થી પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની હવન વિધી ચાલુ થશે તથા તા. ૦૧-૩-ર૦ર૦ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા, પૂર્ણાહુતી હોમ તથા મહાઆરતી કરવામાં આવશે. આગામી તા. ર૮-ર થી ૦૧-૩ દિન ૩ સુધી અંબાજી મંદિર ખાતે  ૩૧ દેવ-દેવીઓની મૂર્તિઓનું  જાજરમાન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.  નવનિર્મિત મંદિરમાં મેઇન ગર્ભગૃહ મુખ્ય અંબાજી માતાની મૂર્તિ, ડાબી સાઇડ ગર્ભગૃહમાં રાધાકૃષ્ણ તથા ગરૂડજીની મૂર્તિ, જમણી સાઇડ ગર્ભગૃહમાં શિવ પરિવારની મૂર્તિ, ડાબી સાઇડ ગર્ભગૃહમાં રામ, લક્ષ્મણ, જાનકી તથા દાસ હનુમાનીની મૂર્તિ, જમણી સાઇડ ગર્ભગૃહમાં હનુમાનજીની મૂર્તિ, દક્ષિણમાં ગોખમાં હનુમાનજીની મૂર્તિ, ઉતરમાં ગોખમાં ગણપતીનીજી મૂતિ, સામેથી જમણી સાઇડ ગોખમાં ગાયત્રી માતાની મૂર્તિ, સામેથી ડાબી સાઇડ ગોખમાં ખોડીયાર માતાની મૂર્તિ, મેઇન રંગ મંડપમાં સિંહની મૂર્તિ, મંદિરના પાછળના તથા આજુબાજુના ગોખના દિશાના દેવોની મૂર્તિની  પ્રતિષ્ઠા કરવામાં આવેશે. તસ્વીરમાં પોલીસ કમીશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દેવ-દેવીઓની મૂર્તિનું સામૈયુ કરતા દૃષ્ટિમાન થાય છે. નીચેની તસ્વીરમાં પોલીસ પરિવારના સભ્ય નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:44 pm IST)