રાજકોટ
News of Thursday, 27th February 2020

રાજકોટ સહિત ૮ જીલ્લામાં ર માર્ચથી દસ્તાવેજ માટે ઓનલાઇન એપોઇટમેન્ટ ફરજીયાતઃ પક્ષકાર તારીખ નકકી કરી શકશે

સ્પેશીયલ ''ગરવી'' વેબસાઇટનો ઉલ્લેખઃ ગાંધીનગરથી પરિપત્રઃ લોકોને પડતી હાલાકી દૂર થશે

રાજકોટ તા. ર૭ : રાજ્ય સરકારે દસ્તાવેજ નોંધણીમાં લોકોને પડતી અનેક પ્રકારની હાડમારી સામે તા.ર માર્ચથી અમલમાં આવે તેમ રાજકોટ સહિત રાજ્યની ૮ કચેરીઓમાં ફરજીયાત પણે દસ્તાવેજ માટે ઓનલાઇન એપોઇટમેન્ટ પ્રથા લાગુ કરી છે, અને જાહેર થયેલા પરિપત્રમાં મહત્વની સૂચનાઓ પણ જણાવાઇ છે.

નોંધણી નિરિક્ષક ગાંધીનગરના પરિપત્ર મુજબ રાજ્યની સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તોજ નોંધણીની કાર્યવાહી ટોકન મેળવીને કરવામાં આવે છે. વર્તમાન સમયમાં લોકો દ્વારા દસ્તાવેજની નોંધણી કરવા માટે સંબંધિત કચેરીમાં રૂબરૂ જઇને ટોકન મેળવવાનું રહે છે.જેના કારણે લોકોને ઘણી તકલીફ/હાડમારી પડ ેછે.

નાગરીકોને સરળતાથી દસ્તાવેજની નોંધણી માટે સમય ઉપલબ્ધ થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા ''ગરવી'' વેબસાઇટ પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શિડયુલરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જે અંતર્ગત શરૂઆતના તબકકે સબરજીસ્ટ્રાર કચેરી અમદાવાદ-૩ (મેમનગર) જી. અમદાવાદ, દેહગામ જી.ગાંધીનગર, વડોદરા-ર (દંતેશ્વર) જી.વડોદરા, નડીયાદ જી.ખેડા, સુરત-૬ (કુંભારીયા) જી.સુરત, નવસારી જી.નવસારી, રાજકોટ-૮(ગ્રામ્ય ખેતી) જી.રાજકોટ, તથા જુનાગઢ-૧ (ટીંબાવાડી) જી.જુનાગઢ એમ કુલ-૮ (આઠ કચેરીઓમાં પ્રાયોગીક ધોરણે (પાયલોટ પ્રોજેકટ તરીકે) તા.ર માર્ચથી ફરજીયાત પણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવેલ હોય તેવા દસ્તાવેજો નોંધણી અર્થે સ્વિકારવા અંગેની પ્રથા લાગુ કરવામાં આવેલ છે. જે સંદર્ભે નીચે જણાવેલ સુચનાઓને અનુસરવાની રહેશે.

 આ સુવિધા https://garvi gujarat.gov.in  વેબસાઇટના Online Appointment Scheduler  મેનુમાં જઇને મેળવી શકાશે.

 જેમાં પક્ષકારે દસ્તાવેજ રજુ કરનારનું નામ, સરનામું મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી., તથા અવેજની રકમની એન્ટ્રી કરવાની રહેશે તેમજ દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો (ઇમેજ) અપલોડ કરવાનો રહેશે.

 ત્યારબાદ પક્ષકારે પોતાની અનુકુળતા મુજબ તારીખ અને સમયની પસંદગી કરવાની રહેશે. અને તે મુજબ સબરજીસ્ટ્રાર કચેરીમાં તમામ પક્ષકારો સાથે હાજર થવાનું રહેશે.

 ત્યારબાદ સબંધિત સબરજીસ્ટ્રાર કચેરીમાં સબરજીસ્ટ્રાર દ્વારા દસતાવેજની ચકાસણી કરી નોંધણીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

આ બાબતે વધુ માહિતી સંબધિત સબરજીસ્ટ્રાર કચેરી, જીલ્લાની નોંધણી નિરીક્ષક કચેરી અને રાજયની નોંધણી નિરક્ષકશ્રીની કચેરીમાંથી અથવા ''GARVI'' વેબસાઇટ પરથી પણ મેળવી શકાશે.

(11:22 am IST)