રાજકોટ
News of Thursday, 27th January 2022

પેથાણી-દેશાણીનો અણઘડ વહીવટ...યુનિવર્સિટીનું આબરૃનુ સરેઆમ ધોવાણ ! કાલરીયાનો પત્રઃ કાળઝાળ

કર્મચારીના પ્રશ્ને કોર્ટના ચુકાદો અને કમિશ્નરની સુચનાનો પણ ઉલાળીયોઃ પત્ર પાઠવી હૈયાવરાળ ઠાલવતા સીન્ડીકેટ સભ્ય રાજેશ કાલરીયા

રાજકોટ, તા., ર૭:  બી.ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીનો ત્રણ વર્ષનો સેવા કાર્યકાળ તા.૬ ફેબ્રુઆરીએ પુર્ણ થઇ રહયો છે. ત્યારે વિવાદાસ્પદ  સતાધીશો જતા જતા પણ અનેક વિવાદ ઉભા થઇ રહયા છે ત્યારે સ્પષ્ટ વકતા અને વહીવટી તંત્રે બહોળો અનુભવ ધરાવતા બીન વિવાદાસ્પદ પ્રિન્સીપાલ  ડો. રાજેશ કાલરીયાએ કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીને પત્ર પાઠવી હૈયાવરાળ ઠાલવી અને જતા જતા કર્મચારીઓના પ્રશ્ને નિર્ણય કરવા જણાવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય અને કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. રાજેશ કાલરીયાએ આજે કુલપતિ-કુલનાયકને પત્ર લખીને જણાવ્યું છે કે કોર્ટના ચુકાદા પછી કમિશ્નરશ્રી દ્વારા સ્પષ્ટ આદેશ મળ્યા પછી પણ ચાર-ચાર વર્ષ સુધી કોઇ કામગીરી ન કરીને અણઘડ વહીવટનો બોલતો પુરાવો આપીને યુનિવર્સિટીની આબરૃનું સરેઆમ ધોવાણ કર્યુ છે.

ડો. રાજેશ કાલરીયાએ પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે કોના સમયમાં આ થયુ ? આ માટે કોણ જવાબદાર છે ? તેવી કોઠી ઉલેચવાની ચેષ્ટા કર્યા સિવાય નામદાર કોર્ટ અને કમિશ્નરશ્રીના આદેશનો અમલ કરી આજે જ કર્મચારીને ચુકવાણાનો ઓર્ડર કરી યુનિવર્સિટીની શાખ બચાવવાનો છેવટનો પ્રયત્ન જતા જતા આપ બંન્ને કરો તેવી અભ્યર્થના...

વર્તમાન કુલપતિ પેથાણી-કુલનાયક દેશાણીના વિવાદાસ્પદ કાર્યકાળથી શિક્ષણ જગતમાં ભારે નારાજગી છે. આજે માત્ર ડો.રાજેશ કાલરીયા બોલ્યા છે આવનારા સમયમાં અન્ય શિક્ષણકારો પણ અવાજ ઉઠાવે તો નવાઇ નહી.

(4:13 pm IST)