રાજકોટ
News of Thursday, 27th January 2022

રિક્ષાચાલકે પત્નિ રાધા અને પાંચ વર્ષની પુત્રીને ચાલુ રિક્ષાએ ધક્કો દઇ પછાડી દીધા

અન્ય મહિલા સાથે લફરૂ ધરાવતાં પતિ પાસે પત્નિએ ઘર ખર્ચના પૈસા માંગતા ડખ્ખોઃ માર્કેટ યાર્ડ સર્વિસ રોડ પર બનાવઃ રિક્ષાચાલક શિવા યાદવ મુળ યુપીનો વતની

રાજકોટ તા. ૨૭: જુના માર્કેટ યાર્ડ પાસે સર્વિસ રોડ પર રાત્રીના મુળ યુપીના રિક્ષાચાલકે પોતાની પત્નિ અને પાંચ વર્ષની દિકરીને ચાલુ રિક્ષામાંથી ધક્કો મારી પછાડી દેતાં તેણીએ દેકારો મચાવતાં એકઠા થઇ ગયેલા લોકોએ ૧૦૮ બોલાવી હોસ્પિટલે ખસેડી હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ માર્કેટ યાર્ડ સર્વિસ રોડ પર રાત્રીના દસેક વાગ્યે રાધા શિવા યાદવ (ઉ.૨૨) અને પુત્રી સોનાક્ષી શિવા યાદવ (ઉ.૫) ઇજાગ્રસ્ત હાલતમાં દેકારો કરતાં હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં રાધાએ પોતાને અને દિકરીને પતિ શિવા યાદવે ચાલુ રિક્ષામાંથી ધક્કો મારી પછાડી દીધાનું કહેતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

રાધાના કહેવા મુજબ પતિને અન્ય સ્ત્રી સાથે લફરુ છે. તે ઘરે આવતો ન હોઇ ફોન કરી ઘર ખર્ચના પૈસા માંગતા રાતે આવ્યો હતો અને પોતાને તથા દિકરા, દિકરીને રિક્ષામાં બેસાડીને નીકળ્યો હતો. રસ્તામાં ઝઘડો થતાં પોતાને અને દિકરીને પછાડી દીધા હતાં. દિકરાને લઇને તે જતો રહ્યો હતો. જો કે પોલીસ પુછતાછમાં પતિ સાથે ઝઘડો થતાં મા-દિકરીને રિક્ષા ઉભી રાખી ધક્કો દઇ ઉતારી મુકયાનું જણાવાયું હતું. રાધા અને સોનાક્ષી રાતે જ પ્રાથમિક સારવાર લઇ નીકળી ગયા હતાં.

ચુનારાવાડમાં કિશન અને જ્યોત્સનાબેન પર હુમલો

ચુનારાવાડ-૨માં રહેતાં કિશન મુળજીભાઇ ડોડીયા (ઉ.૨૮) અને જ્યોત્સનાબેન દિનેશભાઇ ડોડીયા (ઉ.૪૨) પર સાંજે ગોપાલ અને નિતીને ઝઘડાનો ખાર રાખી ઇંટના ઘા કરી તેમજ ઢીકા પાટુ મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

(2:54 pm IST)