રાજકોટ
News of Thursday, 27th January 2022

ગર્ભ પરિક્ષણ અંગેના કેસમાં મહિલા આરોપીને જામીન પર છોડવા ગુજરાત હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૭ :.. ગર્ભ પરિક્ષણ અંગેના કેસમાં પી. સી. એન્ડ પી. એન. ડી. એકટમાં અરજદાર આરોપી સરોજબેન વિનોદરાય ડોડીયાના રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ મંજૂર કરી હતી.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, આ કામના મહિલા આરોપીઓએ પોતાના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાન ખાતે ગર્ભ પરીક્ષણ કરી ગર્ભપાત કરી આપતા હોવાની હકિકત હોય જેથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ ને ડમી દર્દી તરીકે મોકલતા મહિલા આરોપીઓએ મહીલા પો. કોન્સ. ડમી દર્દીને ગર્ભ પરીક્ષણ કરી આપવાની હા પાડી જો ગર્ભમાં બાળક દિકરી હોય તો ગર્ભપાત કરી આપશે તેમ જણાવી પોતાના આર્થીક ફાયદા માટે ગર્ભવતી મહિલાનું બાળક જીવતું ન જન્મે અથવા જનમ્યા પછી તે મરી જાય એમ કરવાના ઇરાદાથી વાયરલેસ પ્રોબ તથા આઇપેડ વાળા સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભનું જાતી પરીક્ષણ કરવાની કોશીષ કરી તેમજ જે સ્થળે સોનોગ્રાફી મશીન વાપરવા માંગતા હોય તે સ્થળ એટલે હોસ્પીટલ, લેબોરેટરી રજીસ્ટર કરાવવી ફરજીયાત હોય જે રજીસ્ટર નહી કરાવી તેમજ સોનોગ્રાફી મશીન કે જે ખરીદ કરતા પહેલા એપ્રોપીએટ ઓથોરીટી માહિતી આપી ખરીદ કર્યા બાદ સોનોગ્રાફી મશીન કે જે ખરીદ કરતા પહેલા એપ્રમોપીએટ ઓથોરીટી માહિતી આપી ખરીદ કર્યા બાદ સોનોગ્રાફી મશીનના કંપની, સીરીયલ નંબર તથા બીલ સાથે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હોય જે રજીસ્ટર નહી કરાવી તેમજ જે ડોકટરે સોનોગ્રાફી મશીન દ્વારા પરીક્ષણ કરવાનું હોય તે ડોકટરશ્રીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હોય જે પણ નહી કરાવી તેમજ જાતી પરીક્ષણ કરવું ગેરકાનુની હોવા અંગેની માહિતી આપતું બોર્ડ લગાવવું  ફરજીયાત હોય જે નહી લગાવી મહીલા આરોપીઓએ ગુનો કરેલ હોય જે અંગે પોલીસ દ્વારા પી. સી. એન્ડ પી. એન. ડી. ટી. એકટની કલમ ૩, ૪, ૬, ૧૮ તથા નિયમ ૩, ૪, ૬, તથા ઇ. પી. કો. કલમ-૩૧પ, પ૧૧ ના ગુનામાં આ કામના અરજદાર-આરોપી સરોજબેન ડોડીયાની ધરપકડ થયેલ.

ત્યાર બાદ આ કામમાં પોલીસ દ્વારા ચાર્જશીટ અરજદાર/આરોપી વિરૂધ્ધ ફાઇલ કરવામાં આવેલ હોય જેથી સરોજબેન ડોડીયા દ્વારા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજુ કરતા ત્યાં જે તે સમયના સંજોગોને ધ્યાને લઇ જામીન અરજી રદ કરેલ જેની સામે અરજદાર / આરોપી સરોજબેન ડોડીયા દ્વારા રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલ જેમાં આ કામના અરજદાર આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ થતો ન હોય જેથી તેઓને જામીન પર મુકત કરવા દલીલ કરેલ છે. જે દલીલોનેધ્યાને લઇ જસ્ટીસ શ્રી એ.વાય.કોગજે અરજદાર સરોજબેન વિનોદરાય ડોડીયાની શરતોને આધીન રેગ્યુલર જામીન અરજી મંજુર કરેલ.

આ કામના અરજદાર/આરોપી સરોજબેન વિનોદરાય ડોડીયા વતી રાજકોટના એડવોકેટ રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી, વૈભવ કુંડલીયા તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.

(2:50 pm IST)