રાજકોટ
News of Thursday, 27th January 2022

સજા પામેલ આરોપી જામીન પર છુટી ફરી દુષ્કર્મના ગુનામાં પકડાતા આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ર૭: સજા થયેલ આરોપી જામીન ઉપર છુટયા બાદ ફરી દુષ્કૃત્યનો ગુન્હો કરતા જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટની સેસન્સ અદાલતે આરોપી ભગવાનજીભાઇ લક્ષ્મણભાઇ રાઠોડ રહે. ચામુંડા નગર શેરી નં. ૧, માયાણીનગર કવાર્ટર પાસે વાળા આરોપીને દુષ્કૃત્યના કેસમાં ૧૦ વર્ષની સજા કરવામાં આવેલ હતી. અને તે સજા અનુસંધાને આરોપીએ હાઇકોર્ટમાં અપીલ કરેલ અને તેમાં જામીન અરજી કરતા તેના જામીન મંજુર થતા આરોપી જામીન ઉપર છુટયા બાદ ફરીથી તેજ યુવતીનું અપહરણ કરી તેના પર દુષ્કૃત્ય આચરી ગુન્હો કરેલ.

આ ગુન્હામાં પોલીસે આરોપી ભગવાનજી લક્ષ્મણ રાઠોડને પકડી જેલ હવાલે કરેલ જેલમાંથી આરોપીએ જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીને અગાઉ દુષ્કૃત્યના કેસમાં સજા થઇ ગયેલ છે. તેમ છતાં જામીન ઉપર છુટી ફરી દુષ્કૃત્યનો ગુન્હો આચરેલ છે. આવા આરોપી સમાજ માટે જોખમ કારક છે. આવા આરોપીને જામીન આપવા જોઇએ નહીં તેવી રજુઆત કરેલ તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી કે. ડી. દવે એ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:01 pm IST)