રાજકોટ
News of Thursday, 27th January 2022

રૈયા રોડ પરના નયારા પેટ્રોલ પંપમાં ઘુસી મયુરે સળગી જવા પ્રયાસ કર્યોઃ કર્મચારીએ દોટ મુકી બચાવી લીધો

પોતાને પંપ ખાતે અગાઉ માર મારવામાં આવ્‍યો હોવાથી આવું કર્યાનું યુવાનનું રટણ : પંપ સંચાલકે કહ્યું-કોઇએ મારકુટ કરી નહોતી, એ શખ્‍સે અગાઉ પેટ્રોલ પુરાવવા આવ્‍યો ત્‍યારે સંડાસમાં લાંબો સમય સુધી પુરાઇ રહ્યો હોઇ તે બાબતે માત્ર બોલાચાલી થઇ હતીઃ અમે પોલીસ સ્‍ટેશને પણ તેની સાથે ગયા હતાં: પણ એ ફરિયાદ વગર નીકળી ગયો હતોઃ હવે અચાનક પંપે આવી શરીરે પ્રવાહી રેડયું

બહારથી ચાલીને આવી રહેલો શખ્‍સ પ્રથમ તસ્‍વીરમાં, બાદમાં શરીરે પ્રવાહી રેડયું એ દ્રશ્‍ય, તેને કર્મચારીએ પકડી બચાવી લીધો તે દ્રશ્‍યો અને એકઠા થયેલા લોકો તથા ઇન્‍સેટમાં વિગતો જણાવતાં પંપ સંચાલક કિરીટભાઇ પટેલ અને કર્મચારી જોઇ શકાય છે.
રાજકોટઃ રૈયા રોડ પર આવેલા નયારા પેટ્રોલ પંપ ખાતે રાત્રીના એક યુવાને બહારથી જ્‍વલનશીલ પ્રવાહી કેરોસીન પોતાની સાથે લાવી પંપની ઓફિસ બહાર પોતાના શરીરે આ પ્રવાહી રેડી લઇ આત્‍મવિલોપનનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. એક કર્મચારીએ દોટ મુકી આ યુવાન પાસેથી માચીસ ઝુટવી લીધી હતી અને પોલીસને જાણ કરતાં આ શખ્‍સને લઇ જવામાં આવ્‍યો હતો. પોતાની સાથે પંદરેક દિવસ પહેલા પંપ ખાતે મારકુટ થઇ હોવાથી આવું કર્યાનું રટણ તેણે કર્યુ હતું. આ શખ્‍સનું નામ મયુર ભીખાભાઇ સોંદરવા (ઉ.વ.૨૫-રહે.  ઘંટેશ્વર પાર્ક, જામનગર રોડ, આનંદ કોલેજની બાજુમાં, મુળ મોરાજ તા. ગીર સોમનાથ) હોવાનું જણાવાયું હતું.
પ્રાપ્‍ત માહિતી મુજબ રૈયા રોડ પર આવેલા નયારા પેટ્રોલ પંપ ખાતે રાત્રીના એક યુવાન પહોંચ્‍યો હતો અને ઓફિસ બહાર ઉભા રહી પોતાના પર જ્‍વલનશીલ પ્રવાહી રેડી દીધુ હતું અને દિવાસળી સળગાવવા પ્રયાસ કર્યો હતો. એ વખતે જ પંપના કર્મચારીની નજર પડી જતાં દોટ મુકી તેને પકડીને પછાડી દીધો હતો અને તેના હાથમાંથી માચીસ ઝુંટવી લેતાં મોટી દુર્ઘટના અટકી હતી.
બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ પહોંચી હતી અને યુવાનને સકંજામાં લીધો હતો. તેણે પોતાનું નામ મયુર ભીખાભાઇ સોંદરવા કહ્યું હતું. પોતાની સાથે અગાઉ પેટ્રોલ પંપ ખાતે મારકુટ થઇ હોઇ જેથી પોતે સળગવા આવ્‍યાનું રટણ કર્યુ હતું.
પેટ્રોલ પંપ ખાતે હાજર કિરીટભાઇ પટેલે જણાવ્‍યું હતું કે અગાઉ ઘણીવાર આ શખ્‍સ અમારા પંપે પેટ્રોલ પુરાવવા આવી ચુક્‍યો છે. તેની સાથે કદી મારકુટ થઇ નહોતી. એક દિવસે એ શખ્‍સ પેટ્રોલ પુરાવવા આવ્‍યા બાદ વોશરૂમ(સંડાસ)માં ગયો હતો. એ ઘણીવાર સુધી બહાર આવ્‍યો નહોતો. અમારા ફીલરમેનને વોશરૂમ જવું હોઇ દરવાજો ખખડાવ્‍યો હતો. પણ એ શખ્‍સે ખોલ્‍યો નહોતો. એ પછી થોડીવાર બાદ ફરીથી ફીલરમેન જતાં ફરી દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં મારો પુત્ર અંદર કોણ છે? એ જોવા ગયો હતો અને શા માટે દરવાજો ખોલતા નથી? આટલી બધી વાર કેમ લાગે છે? કોણ છે? તેમ પુછતાં એ શખ્‍સે પોતે કેશુભાઇ પટેલના ભત્રીજાનો સન હોવાનું કહ્યું હતું. ત્‍યાર બાદ તેણે બહાર આવી ગાળાગાળી કરતાં તેને પકડીને સાઇડમાં મોકલી દેવાયો હતો.
એ પછી એ શખ્‍સે ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવતાં અમને પણ પોલીસ તેની સાથે પોલીસ સ્‍ટેશને લઇ ગઇ હતી. પરંતુ ત્‍યાંથી તે હોસ્‍પિટલનું કામ છે કહીને નીકળી ગયા બાદ બે કલાક સુધી ન આવતાં અમે પોલીસને અમારા નામ સરનામા લખાવ્‍યા હતાં અને જો એ વ્‍યક્‍તિ કોઇ ફરિયાદ કરે તો અમને બોલાવી લેવા કહીને અમે પણ નીકળી ગયા હતાં. આ પછી અચાનક એ શખ્‍સે ૨૬મી જાન્‍યુઆરીએ રાતે પેટ્રોલ પંપ ખાતે આવી પોતાના શરીરે પ્રવાહી છાંટી લીધુ હતું. અમારા કર્મચારીએ તેને બચાવી લીધો હતો.
ઘટનાને પગલે અનેક લોકો ભેગા થઇ ગયા હતાં. જેમાં એક જાગૃત નાગરિકે આક્રોશ સાથે કહ્યું હતું કે કોઇપણ તકલીફ હોય તેનો નિવેડો ફરિયાદથી કે બીજી રીતે થઇ શકે. આ રીતે પેટ્રોલ પંપ ખાતે આવુ કરવાથી જે તે વ્‍યક્‍તિ સહિત બીજા પણ અનેકના જીવ જોખમમાં મુકાઇ ગયા હોત. યુવનિવર્સિટી પોલીસ મથકના સાજીદભાઇ ખેરાણી સહિતે મયુર સામે ૧૫૧ હેઠળ કાર્યવાહી કરી હતી. મયુરે પોલીસને કહ્યું હતું કે પોતે ૧૦/૧ના પોતે પેટ્રોલ પુરાવવા ગયો હતો. પથરી હોઇ પંપના બાથરૂમમાં લઘુશંકા કરવા ગયો હતો. જેમાં કોઇએ દરવાજો ખખડાવતાં બોલાચાલી થઇ હતી અને મારકુટ કરી હતી. ત્‍યારે મેં સારવાર લીધી હતી. પણ પોલીસે કાર્યવાહી ન કરતાં અરજી કરી હતી. આ બનાવમાં ન્‍યાય ન મળતાં પોતે આત્‍મવિલોપન કરવા ગયો હતો. ગઇકાલે પણ પોતાને નિવેદન લેવા બોલાવાયા બાદ નક્કર કાર્યવાહી ન થતાં ઘરે જઇ કેરોસીન લઇ પેટ્રોલ પંપે પહોંચ્‍યો હતો અને કેરોસીન છાંટયું હતુ઼.
 

(3:25 pm IST)