રાજકોટ
News of Wednesday, 27th January 2021

મ.ન.પા.ના ૨૦૨૧ના બજેટમાં યોજનાઓની ભરમાર ? તૈયારી શરૂ

અર્બન મોબિલીટી અને આરોગ્ય સેવાઓ ઉપર ભાર મુકાશે : ન્યુ રાજકોટ - સામાકાંઠા વિસ્તારમાં રેસકોર્ષ જેવી સુવિધાવાળા સંકુલની જોગવાઇઓ માટે વિચારણા

રાજકોટ તા. ૨૭ : મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટને ૧૯ ફેબ્રુઆરી સુધીમાં મંજુર કરવું પડે તેમ હોય મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે વિવિધ યોજનાઓ સાથેનું બજેટ તૈયાર કરીને આ બજેટને જનરલ બોર્ડની સત્તા સાથે કેમ મંજુર કરવું ? તે અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગનાર હોવાનું જાણવા મળ્યું છે. કેમકે હાલમાં જનરલ બોર્ડ અસ્તિત્વમાં નથી અને જનરલ બોર્ડ ૨૧ ફેબ્રુઆરીએ ચૂંટણીઓ યોજાયા બાદ અસ્તિત્વમાં આવશે. આ સંજોગોમાં ૧૯ ફેબ્રુઆરી સુધીમાં કેવી રીતે મંજુર કરવું ? યોજના સાથે સંપૂર્ણ બજેટ મંજુર કરવું કે પછી માત્ર રેવન્યુ બજેટનો ભાગ મંજુર કરી બાકીનું યોજનાકીય બજેટ નવું જનરલ બોર્ડ અસ્તિત્વમાં આવે ત્યારે મંજુર કરાવવું? આ તમામ વહીવટી ગુંચ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન મંગાશે.

દરમિયાન હાલ તુરંત નવા બજેટની તૈયારીનો ધમધમાટ શરૂ કરાવી દેવાયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તુરંત તો યોજનાઓ સાથેનું બજેટ તૈયાર થઇ રહ્યું છે. જેમાં અર્બન મોબિલિટી એટલે કે પબ્લીક ટ્રાન્સપોર્ટની આધુનિક સુવિધાઓ શહેરમાં ઉપલબ્ધ બનાવવા માટે નવી ટ્રાય જેવી 'નિયો મેટ્રો ટ્રેન' તેમજ આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનાવવા અને શહેરના ન્યુ. રાજકોટ અને સામાકાંઠા વિસ્તારમાં રેસકોર્ષ બગીચા સંકુલ જેવા જ નવા સંકુલો બનાવવા સહિતની જોગવાઇઓ કરવા વિચારાઇ રહ્યું છે.

આમ, મહાનગરપાલિકાના ૨૦૨૧ના નવા બજેટમાં નવી યોજનાઓની ભરમાર હોવાની સંભાવના છે. જો કે સરકાર યોજના સાથેનું બજેટ મંજુર કરવાની સત્તા આપશે કે પછી માત્ર રેવન્યુ એટલે કે આવક અને ખર્ચની વિગતોવાળુ બજેટ મંજુર કરવાની સત્તા આપશે? તેના ઉપર બધો મદાર રહેશે.

(3:38 pm IST)