રાજકોટ
News of Wednesday, 27th January 2021

રાજદીપ સોસાયટીમાં સોની વેપારી પરેશભાઇ ફીચડીયાને વાતોમાં ભોળવી ગઠીયો ૧ લાખનો ચેઇન લઇ છનન

સોની વેપારીની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદઃ શકમંદની માહિતી મળતા તપાસનો ધમધમાટ

રાજકોટ તા.ર૭ : મવડી ચોકડી નજીક ૪૦ ફુટ રોડ પર રાજદીપ સોસાયટીમાં આવેલ દુકાનમાં સોનાનો મેઇન ખરીદવાના બહાને આવેલા ગઠીયાએ સોની વેપારીને વાતોમાં ભોળવી રૂ. ૧ લાખની કિંમતનો સોનાનો ચેઇન લઇ નાશી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર રામધામ સોસાયટી શેરી નં.પ પ્લોટ નં.ર૮-એમાં રહેતા અને મવડી ચોકડી ૪૦ ફુટ રોડ રાજદીપ સોસાયટી શેેરી નં.૧ માં 'શ્રી નાથજી જવેલર્સ' નામે દુકાન ધરાવતા પરેશભાઇ ભુપતભાઇ ફીચડીયા (ઉ.૪૬) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે તા.ર૩ ના રોજ પોતાની દુકાને હતા ત્યારે બપોરે એક અજાણ્યો શખ્સ દુકાને આવેલ અને 'સોનાનો ચેઇન જોઇએ છે.' તેમ કહેલ પોતે તેને મોબાઇલમાં અલગ-અલગ ચેઇનના ફોટા બતાવતા તેણે એક ચેઇન પસંદ કર્યો હતો. પોતે તેને કહેલ કે હોલસેલના વેપારી તપાસ કરી તમને કહું છું. તેમ કહ્યું હતુ઼. ત્યાર બાદ પોતે તેને ફોન કરતા તેઓ ફોન લાગ્યો ન હતો થોડીવાર બાદ તેનો સામેથી ફોન આવેલ ત્યારે પોતે તેને કહેલ કે 'તમને પસંદ છે તે ડીઝાઇનનો ચેઇન મળી જશે અને તેના આરે રૂ. ૧.૦.૧,પ૦૦ થશે' તેમ કહેતા તેણે ચેઇન લેવાની હા પાડી હતી. અને ચેઇન લઇ લેવાનું કહેલ અને પોતે સોનીબજારમાં હોલસેલની દુકાનમાં જોયો હતો. બાદ પોતે ઘરે આવી ગયા હતા અને તે શખ્સને ફોન ઉપર પૈસાની વાત કરતા તેણે કહેલ કે, 'હું દૂર નીકળી ગયો છું' તમને સાંજ સુધીમાં પૈસા આપીશ' તેમ  કહ્યું હતું બાદ પોતે ઘરે આવીને તેને ફોન કરતા તેણે રોકડા રૂપિયા આપી દેવાની વાત કરી હતી. બાદ પોતે સોનીબજારમાં હોલસેલના વેપારીની 'જૈન ચેન' નામની દુકાનેથી ચેઇન લઇ પોતાની દુકાને આવીને તે શખ્સનેફોન કરી જાણ કરતા ૧૦ મીનીટ પછી આ શખ્સ આવી ગયો અને બીલ બતાવવાનું કહેતા બીલ બતાવેલ અને પોતાને આ શખ્સે કહેલ કે, 'મારા પિતા પણ પોલીસમાં હતા' અને મારા મોબાઇલમાંથી તેનો નંબર કાઢી નાખેલ અને પોતાને ચેઇન પેક કરવાનું કહેતા પોતે રૂ.૧,૦૦,૬૦૦ નો ચેઇન બોક્ષમાં પેક કરી થેલીમાં આપ્યો હતો અને તેણે ચેક આપવાનું કહેતા પોતે ના પાડતા તેણે કહેલ કે 'મારા મમ્મી પૈસા લઇને આવે છે.' તેમ કહી તે શખ્સ દુકાનમાં બેઠો હતો દરમ્યાન એક મહિલા ઇમીટેશનની બુટ્ટી ખરીદ કરવા આવતા પોતે તેને સમજાવતા હતા તે દરમ્યાન તે શખ્સે કહેલ કે, આ જોખમવાળી થેલી તમારી પાસે ખાનામાં દો તેથી પોતે થેલી ખાનામાં મુકી દીધી હતી.ત્યારબાદ આ શખ્સે કહેલ કે, 'હું મારા મમ્મીને બોલાવી આવુ તેમ કહી નીકળી ગયો હતો. બાદ પોતે થેલીમાં જોતા સોનાનો ચેઇન બોકસમાંથી ગાયબ હતો તેથી પોતે આસપાસ આ શખ્સની તપાસ કરતા કોઇ પતો ન લાગતા તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ એન.ડી.ડામોર સહિતના સ્ટાફે એક શકમંદની માહિતી મળતા તપાસનો ધમધમાટ શરૂ કયો છે.

(3:37 pm IST)