રાજકોટ
News of Wednesday, 27th January 2021

રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની ર૮ બેઠકો માટે ભાજપમાં ૧૦૬ દાવેદારો

તાલુકા પંચાયતની રર બેઠકો માટે ૭પ અને જિલ્લા પંચાયતની તાલુકાની ૬ બેઠકો માટે ૩૧ કાર્યકરોએ ટિકીટ માંગી : સેન્સ વખતે ટોળા ઉમટ્યા

રાજકોટ, તા. ર૮ : જિલ્લા પંચાયતની રાજકોટ તાલુકામાં આવતી ૬ બેઠકો અને તાલુકા પંચાયતની રર બેઠકો માટે આજે સવારથી બપોર સુધી બેડીપરા પટેલવાડી ખાતે ભાજપના નિરીક્ષકો મહેન્દ્ર પાડલીયા, અલ્પેશ ઢોલરીયા અને સીમાબેન જોષીએ સેન્સ લીધેલ. અન્ય તાલુકાઓ માટે અન્ય નિરીક્ષકોએ ગઇકાલે સેન્સ લીધી હતી. તાલુકા-જીલ્લા પંચાયતમાં લડવા માટે કાર્યકરોએ દોટ લગાવી છે. બેડીમાં ૮, ત્રંબામાં ૭, સરધારમાં ૬, કુવાડવામાં પ સહિત કુલ ૬ બેઠકો માટે ૩૧ દાવેદારો છે.

સરધાર અને ત્રંબા સિવાઇની જિલ્લા પંચાયતની ૪ બેઠકો મહિલા અનામત છે. ત્રંબા માટે વલ્લભભાઇ શંખલિયા, સંજય ત્રાપસિયા, ચંદુભાઇ શીંગાળા વગેરે દાવેદાર છે. ચંદુભાઇએ જિલ્લાની કોઇપણ બેઠક (બીન અનામત) લડવાની તૈયારી દર્શાવી છે. સરધાર બેઠક માટે નિલેષ વિરાણી, જીવરાજ રાદડિયા પ્રવિણ ઢાંકેચા, વિલાસ ઢાંકેચા વગેરેએ ટીકીટ માંગી છે. આ જ ગામની તાલુકા પંચાયતની બેઠક માટે નીતિન ઢાંકેચા, ચેતન પાણ સહિત ચારેક દાવેદારો છે. બેડલામાં અજય સોરાણી અને ભરત ગોહેલ પરિવારની મહિલાએ ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે. કુવાડવામાં મંજૂલાબેન વસંતભાઇ લીંબાસીયા, તેમજ પરબતભાઇ કાકડીયા અને ચનાભાઇ રામાણી પરિવારની મહિલાનો દાવો છે. બેડી બેઠકમાં વિક્રમ આહીર, જયેશ બોઘરા, નાગદાનભાઇ ચાવડા, વિજયભાઇ અજાણી પરિવારની મહિલા માટે ટીકીટ માંગવામાં આવી છે. આણંદપર - નવાગામ બેઠકમાં રંભાબેન ખીમાણીયા, પૂજાબેન કોરડીયાની માંગણી છે. ઉપરોકત સિવાઇ પણ કેટલાક દાવેદારોએ ફોર્મ ભર્યા છે.

પટેલવાડી ખાતે ટીકીટ ઇચ્છુકો અને ટેકેદારોના ટોળા ઉમટયા હતાં. જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ સાથે સંકલન સમિતિમાં પેનલ બનાવી ફેબ્રુઆરીના પ્રારંભે પ્રદેશ સંસદીય બોર્ડમાં રજુ કરવામાં આવશે.

જુથવાદની ધાર, સરધારઃ તાલુકાની ટીકીટ માંગતા નીતિન ઢાંકેચા

તાલુકા-જિલ્લા પંચાયતમાં લડવા બેય જુથની ખેંચતાણ

રાજકોટ : આજે રાજકોટ તાલુકા ભાજપના નિરીક્ષકો સમક્ષ રાજકોટ તાલુકા પંચાયતની સરધાર બેઠક માટે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય સહકારી અગ્રણી નીતિન ઢાંકેચાએ ટીકીટ માંગતા રાજકીય ઝણઝણાટી વ્યાપી ગઇ છે. આ બેઠક માટે ભાજપના જ હરીફ જુથના ગણાતા ચેતન પાણનો મજબુત દાવો છે. જિલ્લા પંચાયતની બેઠક માટે સામેના જુથના દાવેદાર નિલેષ વિરાણી સામે ઢાંકેચા જુથે જીવરાજ રાદડિયાને મેદાને ઉતાર્યા છે. બન્ને બેઠકો માટે અન્ય કેટલાક ઇચ્છુકો પણ છે. ઢાંકેચાએ વ્યુહરચનાના ભાગરૂપે તાલુકા પંચાયતની ટીકીટ માંગ્યાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ભાજપમાં સૌથી વધુ માથાકુટ રાજકોટ તાલુકામાં અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ ખેંચતાણ સરધાર પંથકમાં છે. કેટલાક કહેવાતા પ્રબુધ્ધો બન્ને જુથ તરફની આગમાં ઘી હોમી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે.

(3:36 pm IST)