રાજકોટ
News of Wednesday, 27th January 2021

૨૫ ફેબ્રુઆરીએ કામધેનુ ગૌવિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા

ગુજરાતી, હિન્દી સહિત ૧૨ ભાષાઓમાં પરીક્ષા : કોઈ ફી ભરવાની નથી : રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા આયોજન : દુનિયાભરમાંથી ૧ કરોડ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેશે : નામ નોંધણી ચાલુ : ડો.વલ્લભભાઈ કથીરીયા

રાજકોટ, તા. ૨૭ : ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગે દેશી કુળની ગાયના સંવર્ધન અને વિકાસની દિશામાં દેશને વધુ એક ડગલુ આગળ લઈ જવા માટે 'કામધેનુ ગૌ - વિજ્ઞાન પ્રચાર - પ્રસાર પરીક્ષા'નું આયોજન કર્યુ છે. યુવા વિદ્યાર્થીઓ તેમજ પ્રત્યેક નાગરીકોમાં સ્વદેશી ગાય વિશે જાગૃતિ આવે તે માટે ગૌ વિજ્ઞાન વિશે સ્ટડી મટીરીયલ તૈયાર કરી તે વિશે પરીક્ષા યોજવાનું નવતર પગલુ આયોગે ભર્યુ છે. આયોગની આ પહેલને પગલે લોકોમાં ગાય વિશે ઉત્સુકતા વધશે અને ગાય દૂધ આપતી બંધ થાય પછી પણ તેના દ્વારા મળતી આત્મનિર્ભરતાની તકો વિશે તેઓ માહિતગાર થશે તેમ રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યુ છે. કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર - પ્રસાર પરીક્ષા સમગ્ર દેશમાં ૨૫મી ફેબ્રુઆરીના રોજ ઓનલાઈન લેવાશે, આ પરીક્ષા વિશેની સુચિત માહિતી રાષ્ટ્રીય કામધેનુ આયોગની સત્તાવાર વેબસાઈટ ઉપર મૂકવામાં આવી રહી છે તે માટે http://kamdhenu.gov.in/ http://kamdhenu.blog ઉપરથી પણ માહિતી મેળવી શકાય છે.

ડો. કથીરીયાએ ઉમેર્યુ હતું કે પરીક્ષા ચાર કેટેગરીમાં યોજાશે. પ્રાયમરી લેવલ (આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ) સેકન્ડરી લેવલ (૯ થી ૧૨માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ) ત્રીજી કેટેગરી કોલેજ (કોલેજના વિદ્યાર્થીઓ) અને ચોથી કેટેગરીમાં આમ જન સમાજના લોકો પરીક્ષા આપી શકશે. ૧૦૦ માર્કસના પેપરનો સમય એક કલાક હશે અને પરીક્ષા અંગ્રેજી તેમજ હિન્દી ઉપરાંત, ગુજરાતી અને મરાઠી સહિત ૧૨ પ્રાદેશીક ભાષાઓમાં આપી શકાશે. પરીક્ષા આપવા માટે કોઈ ફી ભરવાની નથી. પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નો પૂછાયેલા હશે. જેમાં ટીક માર્ક દ્વારા (એમસીકયુ) સાચો જવાબ જણાવવાનો રહેશે. પરીક્ષાનું સ્ટડી મટીરીયલ્સ અને ગાયને લગતા સંદર્ભ પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય આયોગની વેબસાઈટ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી પરીક્ષાર્થીને તૈયારી કરવામાં સરળતા રહે. વેબસાઈટ ઉપર બ્લોગ્સ, વિડીયો અને અન્ય પસંદ કરાયેલુ મટીરીયલ્સ અપલોડ કરાશે.

પરીક્ષાનું પરિણામ આયોગની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. તમામ પરીક્ષાર્થીને પ્રમાણપત્ર અપાશે. ઉચા ગુણ સાથે સફળ થનાર પરીક્ષાર્થીને ઈનામ અને પ્રમાણપત્ર અપાશે. આ પરીક્ષાના આયોજનમાં મદદરૂપ થનારા તમામને પ્રશસ્તિ પત્ર અપાશે. પરીક્ષા માટે નોંધણી કરવાની લીન્ક આયોગની વેબસાઈટ ઉપર મૂકી હોવાનું જણાવ્યુ હતું.

ભવિષ્યમાં આ પરીક્ષા દર વર્ષે લેવાની યોજના હોવાનું જણાવતા ડો.કથીરીયાએ ઉમેર્યુ હતું કે ગૌ વિજ્ઞાન પરીક્ષા ફકત ખેડૂતો કે ગોપાલકોમાં જે નહિં પરંતુ શિક્ષિત યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગ સાહસિકો સહિત સામાન્ય લોકોમાં પણ દેશી ગાયના ઉછેર માટે રસ પેદા કરવામાં અને તેમને પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેના પગલે તેના અનેક લાભ મેળવી શકાશે અને દેશના આર્થિક વિકાસનો ચાલક બનશે. તેનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, ગ્રીન ઈન્ડિયા, ડીજીટલ ઈન્ડિયા, કિલન ઈન્ડિયા, હેલ્ધી ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા અભિયાનના ઉદ્દેશો પણ પૂરા થશે. સમગ્ર વિશ્વમાંથી ૧ કરોડ લોકો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. અત્યાર સુધીમાં ૨૪ દેશોના લોકોએ આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯માં એટલે કે બે વર્ષ અગાઉ ગાય અને તેના વંશના જતન, સંરક્ષણ અને વિકાસ માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગની રચના કરી અને પશુધન વિકાસ કાર્યક્રમો માટે દિશા - નિર્દેશો આપ્યા. આયોગે, નાના અને સિમાંત ખેડૂતો, મહિલાઓ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે આજીવિકા સર્જન કરવા ઉપર વધુ ભાર આપવાના ઉદ્દેશથી પશુધનને લગતી યોજનાઓના અમલીકરણ માટે નિર્દેશો આપવા અને નીતિઓ ઘડવા માટેનું મજબૂત સતા ધરાવતુ કાયમી માળખુ છે. આયોગે તાજેતરમાં 'ગોમય ગણેશ અભિયાન', 'કામધેનુ દિપાવલી અભિયાન', 'કામધેનુ દેવ દિપાવલી' વગેરે કાર્યક્રમો ઉપરાંત ગાયના છાણ અને ગૌમૂત્રના અન્ય અત્યંત અસરકારક ઉપયોગી વિશે શ્રેણીબદ્ધ સેમીનારો અને વેબીનારોનું આયોજન કર્યુ હતું. તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં 'કામધેનુ ચેર' અથવા 'કામધેનુ સ્ટડી સેન્ટર' કે કામધેનુ રીસર્ચ સેન્ટરની સ્થાપના કરવાની આયોગની પહેલને પણ સમગ્ર દેશમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા આયોજીત કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર - પ્રસાર પરીક્ષાની માહિતી આપવા નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, શ્રીમતી બીનાબેન આચાર્ય, રાજુભાઈ ધ્રુવ, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, મનસુખભાઈ ખાચરીયા, અરૂણભાઈ નિર્મળ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કામધેનુ ગૌ વિજ્ઞાન પ્રચાર - પ્રસાર પરીક્ષા અંગે વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯, અમરકુમાર મો.૯૮૯૮૪ ૫૭૭૫૭, સુનિલ કાનપરીયા મો.૯૭૨૪૦ ૬૬૫૧૧, તેજસ ચોટલીયા મો.૯૦૬૭૨ ૧૧૯૩૧, રમેશભાઈ ઠક્કર મો.૯૯૦૯૯ ૭૧૧૧૬, ડો.પ્રવિણ નિમાવત મો.૯૪૨૬૨ ૫૦૫૦૩, ધિરેન્દ્ર કાનાબાર મો.૯૮૨૫૦ ૭૭૩૦૬, પ્રતિક સંઘાણી મો.૯૮૯૮૦ ૩૦૩૯૩નો સંપર્ક કરવા ડો.કથીરીયા (મો.૯૦૯૯૩ ૭૭૫૭૭)ની યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)