રાજકોટ
News of Wednesday, 27th January 2021

હાલ પુરતો કાર્યક્રમ મોકૂફ, રણનીતિ બનાવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશુ : ખેડૂતોનો નિર્ધાર

અલગ - અલગ જીલ્લાઓમાંથી ખેડૂતો આવનાર હતા, રાત્રીના ૯ વાગ્યે મંજૂરી રદ્દ થયાની જાણ થતા ખેડૂત આગેવાનો સાથે ટેલીફોનિક ચર્ચા કરી આંદોલન મોકૂફ રાખવામાં આવ્યુ

રાજકોટ, તા. ૨૭ : રાજકોટની ભાગોળે આજે યોજાયેલ ખેડૂત સંમેલન સંદર્ભે ગત રાત્રે પોલીસ તંત્ર દ્વારા મંજૂરી રદ્દ કરવામાં આવતા હાલ પુરતો કાર્યક્રમ મોકૂફ રાખી અને આગામી સમયમાં મીટીંગો યોજી નવી રણનીતિ બનાવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ખેડૂત આગેવાનોએ જણાવ્યુ હતું.

ઈન્દ્રનીલ રાજયગુરૂ, પાલભાઈ આંબલીયા, અરૂણભાઈ મહેતા, ડાયાભાઈ ગજેરા, રાજુભાઈ કરપડા અને ચેતનભાઈ ગઢીયાએ જણાવ્યુ હતું કે ગતરાત્રે મંજૂરી રદ્દ થતા દિલ્હીમાં ચાલી રહેલ આંદોલનના ખેડૂત આગેવાનો સાથે પણ ચર્ચા કરતા તેઓએ જણાવેલ કે કોઈ નુકશાનકારક ઘટના ન બને તેનું ધ્યાન રાખજો. ઉપરાંત આજુબાજુના ગામમાંથી આવનાર ખેડૂત આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવતા મંજૂરી ન મળે ત્યાં સુધી આંદોલન મોકૂફ રાખવુ તેવો નિર્ણય લેવાયો હતો.

ખેડૂત આગેવાનોએ જણાવેલ કે દિલ્હીમાં ગઈકાલે જે ઘર્ષણની ઘટના બનેલ તે સામાન્ય ઘટના ન કહેવાય. હવે આગામી સમયમાં ખેડૂત આગેવાનો સાથે મીટીંગ યોજી ગાંધી ચિંધ્યા આંદોલનના માર્ગને આગળ કેવી રીતે વધારવુ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

(12:06 pm IST)