રાજકોટ
News of Wednesday, 27th January 2021

શહેર પોલીસના બંને ઝોનની ટીમોના ફૂટબોલ મેચમાં ઝોન-૧ ટીમનો ૩-૦થી વિજયઃ પોલીસ કમિશનરે એક ગોલ કર્યો

મ્યુ. કમિશનરશ્રી ઉદય અગ્રવાલ પણ હાજર રહ્યાઃ ૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ સીએનસી ચેલેન્જ કપ-૨૦૨૧ ફૂટબોલ ટુર્નામેન્ટમાં વાયસીસી રાજકોટ અને એ.જી. રાજકોટ તથા ગાંધીનગર-વડોદરાની ટીમો વચ્ચે સેમી ફાઇનલ

રાજકોટઃ  ૯મી ઓપન ગુજરાત રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ સીએનસી ચેલેન્જ કપ-૨૦૨૧ ફૂટબોલ ટૂર્નામેન્ટના છઠ્ઠા દિવસે એટલે કે ગણતંત્ર દિવસના રોજ ત્રણ કવાટર ફાઇનલ મેચ રમાયા હતા. પ્રથમ મેચ એ. જી. રાજકોટ અને મહાવીર એફ. સી. જૂનાગઢ વચ્ચે રમાયો હતો. જેમાં એ.જી. એ જૂનાગઢને ૩-૦થી પરાજિત કરી સેમી ફાઇનલમા પ્રવેશ કર્યો હતો. બીજા મેચમા એકસયુએફસી ગાંધીનગર ટીમે ભાવનગર એફ.એ.ને ૩-૦થી હરાવ્યું હતુ. જયારે ત્રીજા મેચમા બરોડા એફ.સી.એ આરઆઈસી આણંદને ૨-૦ થી હરાવી સેમી ફાઇનલમા પ્રવેશ કર્યો છે.

કવાટર ફાઇનલ મેચ પુરા થયાં બાદ ગણતંત્ર દિવસની ઉજવણીનાં ભાગ રૂપે શહેર પોલીસનાં બંને ઝોનનાં અધિકારીઓ વચ્ચે મેચ રમાયો હતો. મેચમા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, બંને ઝોનના ડીસીપી, એસીપી, પીઆઇ અને પીએસઆઇની ટીમો જોડાઇ હતી. બંને ઝોન વતી રમનાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ઝોન-૧ ટીમ વતી એક ગોલ નોંધાવ્યો હતો. ઝોન-૧ ની ટીમનો ૩-૦થી વિજય થયો હતો. ગુનેગારોને પકડવા દોડધામ કરતા અધિકારીઓએ ફૂટબોલની રમતમાં  પણ એટલો જ જૂસ્સો દાખવ્યો હતો. મહાનગરપાલિકાનાં કમિશ્નર ઉદિત અગ્રવાલે પણ ફૂટ વર્ક બતાવ્યું હતું. આ તકે બંને કમિશનરે અધિકારીઓની ફિટનેસને પણ બિરદાવી હતી. આજે બુધવારે ટુર્નામેન્ટના સાતમા દિવસે બે સેમી ફાઇનલ મેચ રમાશે. પ્રથમ મેચ વાયસીસી-રાજકોટ અને એ. જી. રાજકોટ વચ્ચે તથા બીજો સેમી એકસયુએફસી-ગાંધીનગર અને વડોદરા- એફ.સી.વચ્ચે રમાયો હતો.

(10:27 am IST)