રાજકોટ
News of Wednesday, 27th January 2021

બેભાન હાલતમાં ૪ના મોત

મનહરપુરના મુકેશ સિતાપરા, ગંજીવાડાના ધીરૂભાઇ સાપરા, ધરમનગરના કિશન અને રવેચીનગરના અશોકભાઇએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૭: બેભાન હાલતમાં ચાર લોકોના મૃત્યુ સિવિલ હોસ્પિટલમાં નિપજ્યા હતાં. જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુર-૧માં રહેતો મુકેશભાઇ જયંતિભાઇ સિતાપરા (ઉ.વ.૩૨) નામનો યુવાન ૨૬મી જાન્યુઆરીએ સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર યુવાન ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ તથા અપરિણિત હતો. અગાઉ રિક્ષા હંકારતો હતો. પણ લાંબા સમયથી બિમાર હોઇ ઘરે જ રહેતો હતો. બીજા બનાવમાં ગંજીવાડા મહાકાળી ચોક શેરી નં. ૪૦માં રહેતાં ધીરૂભાઇ મેપાભાઇ સાપરા (ઉ.વ.૪૫) બિમારીને કારણે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

ત્રીજા બનાવમાં ગાંધીગ્રામ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બી-૧૦ રૂમ નં. ૨૭૫માં રહેતો કિશનભાઇ ભુપતભાઇ રાયવાળા (ઉ.વ.૩૦) રાતે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજ્યું હતું. જ્યારે ચોથા બનાવમાં વાવડી પાસે રવેચીનગરમાં રહેતાં અશોકભાઇ કનુભાઇ દેવાયતકા (ઉ.વ.૪૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાંખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ યુનિવર્સિટી અને તાલુકા પોલીસને જાણ કરી હતી.

(10:26 am IST)