રાજકોટ
News of Wednesday, 27th January 2021

બાબરીયા કોલોનીના રાજેશભાઇને ઝેરી અસરઃ ઠંડાપીણા સાથે કંઇક પીવડાવાયાનો આક્ષેપ

સ્કૂલ ફી વર્દીના લેણા નીકળતા પૈસાની લેતીદેતીના ડખ્ખો કારણભુત

રાજકોટ તા. ૨૭: બાબરીયા કોલોની ત્રણ માળીયામાં રહેતાં અને સ્કૂલ વેન ચલાવતાં રાજેશભાઇ ગણપતદાસ રામાવત (ઉ.વ.૪૨)ને સોમવારે સાંજે આજીડેમ ચોકડીએ હતાં ત્યારે ઠંડુ પીણુ પીધા બાદ ઉલ્ટી થવા લાગતાં પુત્ર મયુરને જાણ કરતાં તેણે ત્યાં પહોંચી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે આજીડેમ પોલીસને જાણ કરી હતી. સારવાર બાદ રાજેશભાઇને રજા અપાઇ હતી. તેના પુત્ર મયુરે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મારા પપ્પા રાજેશભાઇએ અગાઉ બીજા સ્કૂલવેન ચાલકે પૈસાની જરૂર હોઇ ફીની ઉઘરાણીની રકમ આવી હતી એ તેને આપી દીધી હતી. પરંતુ હવે એ ભાઇ કે જેનું નામ મહેબુબભાઇ છે તે પૈસા પાછા આપતાં ન હોઇ મારા પપ્પાએ ઉઘરાણી કરતાં મહેબૂબભાઇએ તેમને સોમવારે સાંજે આજીડેમ ચોકડીએ હીસાબ સમજવા બોલાવ્યા હતાં.

ચોકડીએ માઝાની બોટલ મંગાવાઇ હતી. જેમાંથી એક બોટલમાંથી મહેબૂબભાઇ અને તેની સાથેના ભાઇએ પીણુ પીધુ હતું. બીજી બોટલમાંથી મારા પપ્પાએ પીધું હતું. વાતચીત બાદ એ લોકો જતાં રહ્યા પછી મારા પપ્પાને ચક્કર ઉલ્ટી થતાં તેણે અમને જાણ કરી હતી. પીણામાં કંઇક હોવાની શંકા ઉદ્દભવી હતી.

બાળકી ચોથા માળેથી પડી જતાં ઇજા

નાના મવા રોડ જડ્ડુસવાળી શેરીમાં બની રહેલા આવાસ યોજના કવાર્ટરની સાઇટ પર મજૂરી કરતાં થાવલાભાઇ બધેલની દિકરી ગીતા (ઉ.વ.૪) ચોથા માળે રમતી રમતી પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

(10:24 am IST)