રાજકોટ
News of Friday, 26th November 2021

રાજકોટમાં પાંચ કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૬: અત્રે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નારકોટીકસ ડ્રગ પદાર્થે અધીનીયમની કલમો મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા આરોપીએ રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા સ્પે. અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી અને તેમની સાથેનો પોલીસ સ્ટાફ સાથે વાહન ચેકિંગની કામગીરી સબબ રોકાયેલ હતા અને આ વાહન ચેકિંગની કામગીરી દરમીયાન મવડી મેઇન રોડ, ફાયર બ્રીગેડ પાસે ઉમિયા પાન પાસે જાહેર રોડ ઉપર બે ઇસમો પોતાના હસ્તકના સિલ્વર કલરના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને આનંદ બંગલા ચોક તરફથી આવતા હોય બંને ઇસમોનું નામ પૂછતા જમાલુદિન નીજામુદિન શેખ તથા ચેતનભાઇ ચિમનભાઇ સાકરિયા હોવાનું જણાવેલ હતું અને પૂછપરછ દરમિયાન સફેદ કલરનાં પ્લાસ્ટીકનાં બાચકામાં ગાંજો હોવાની કબુલાત આપેલ હતી અને તે પ્લાસ્ટીકનાં બાચકામાં તપાસતા તેમાંથી વિશીષ્ટ તીવ્રવાસ ધરાવતો વનસ્પતી જન્ય માદક પદાર્થ મળી આવતા હાજર પોલીસ અધીકારીઓ દ્વારા ત્યાં જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ કર્યા બાદ અને જરૂરી એફ.એસ.એલ. રીપોર્ટના અંતે આ કોથળીમાંથી મળી આવેલા પદાર્થ ગાંજો હોવાનું જાણવા મળેલ હતું અને આ ગાંજાનું વજન કરતા ગાંજાનું વજન પ કિલો ર૩૦ ગ્રામ થયેલ હતું અને જે મતલબની ફરીયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી.

તપાસ દરમીયાન તોફીક ઉર્ફે તોફલો મહમદભાઇ સંઘારનું નામ ખુલવા પામેલ હતું. જેથી આ આરોપીઓની અટક કરી રાજકોટની સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટમાં રજુ કરતા રીમાન્ડ સમય પુર્ણ થયા બાદ તમામ આરોપીઓને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા.

આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઇ જા તોફીક ઉર્ફે તોફલો મહમદભાઇ સંઘારએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા માટે રાજકોટ સ્પેશ્યલ એન.ડી.પી.એસ. કોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ શ્રી રણજીત એમ. પટંગીર તેમજ સાહીસ્તાબેન એસ. ખોખર રોકાયેલ હતા. 

(2:45 pm IST)