રાજકોટ
News of Thursday, 25th November 2021

ત્રંબાની સીમમાં વાડીમાં દરોડોઃ બે ભાઇઓ ભાવેશ અને જયેશને ૮.૫૯ લાખના દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

બંને મુળ ચોટીલાના ખડખુંદાના વતનીઃ હાલ ત્રંબામાં રમેશ પટેલની વાડીમાં મજૂરી કરે છેઃ માજોઠીનગરના યુવરાજસિંહ જાડેજાનું નામ ખુલ્યું: ૨૧૨૨ બોટલો અને વાહન મળી રૂ. ૧૪.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જેઃ એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ.કરણભાઇ મારૂ, ભાવીનભાઇ રતન, ઇન્દ્રસિંહ ગોહિલની બાતમીઃ એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણાની ટીમનો દરોડો

રાજકોટ તા. ૨૫: શહેરમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ દિવાળીના તહેવારના દિવસોથી સતત કડક બની ગઇ હોઇ આ કારણે હાલમાં શહેરમાં પ્યાસીઓને પણ છુટક બાટલીઓ બૂટલેગરો પાસેથી મેળવવામાં ફીણ આવી રહ્યાનું જાણકારો કહે છે. જેની પાસે બાટલી મળે છે તે પણ સામાન્ય દિવસોમાં છસ્સો-સાતસોમાં વેંચાતી બાટલીના બારસોથી પંદરસો રૂપિયા પડાવી રહ્યાનું કહેવાય છે. આ દરમિયાન શહેર ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી પરથી ત્રંબા ગામની સીમમાં આવેલી વાડીમાં મોડી રાતે દરોડો પાડી હાલ આ વાડીમાં રહેતાં મુળ ચોટીલા પંથકના બે સગા ભાઇઓને રૂ. ૮,૫૬,૫૦૦ના દારૂના જથ્થા સાથે પકડી લઇ મેટાડોર મળી કુલ ૧૪,૬૪,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દારૂનો જથ્થો માજોઠીનગરના શખ્સે મંગાવ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

શહેરમાં દારૂ અને જૂગારની પ્રવૃતિને નાબુદ કરવા આવા કેસ શોધી કાઢવા કડક સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમો નાઇટ પેટ્રોલીંગમાં નીકળી હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જે. વી. ગોહિલ, હેડકોન્સ. ભાવિનભાઇ રતન, કરણભાઇ મારૂ અને ઇન્દ્રસિંહ ગોહિલને બાતમી મળી હતી કે ત્રંબામાં વૃંદાવન ફાર્મ હાઉસની બાજુમાં આવેલી રામજીભાઇ પટેલની વાડીમાં ખેતી કામ કરતાં બે શખ્સે દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ બાતમી પરથી પીએસઆઇ યુ. બી. જોગરાણા અને ટીમ ત્રાટકતાં રૂ. ૫,૮૯,૫૦૦નો મેકડોવેલ્સ નં.૧ બ્રાન્ડનો ૧૫૭૨ બોટલ દારૂ અને ૨,૭૦,૦૦૦નો ઓલ સિઝન બ્રાન્ડનો ૫૪૦ બોટલ મળી કુલ રૂ. ૮,૫૯,૫૦૦નો ૨૧૧૨ બોટલ દારૂ મળતાં તે તથા જીજે૦૩બીડબલ્યુ-૩૬૦૯ નંબરનું ૬ લાખનું ટાટા-૪૦૭ વાહન અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૪,૬૪,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

પોલીસે વાડીમાં હાજર ભાવેશ વિરજીભાઇ રાઠોડ (કોળી) (ઉ.વ.૨૫) તથા તેનાભ ાઇ જયેશ વિરજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) (રહે. બંને હાલ ત્રંબા રામજીભાઇની વાડીમાં, મુળ ખડગુંદા તા. ચોટીલા)ની ધરપકડ કરી હતી. પુછતાછમાં આ દારૂ રાજકોટના માજોઠીનગરના યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાએ ઉતાર્યાનું અને તેના બદલામાં થોડા પૈસા પોતાને મળ્યાનું બંને ભાઇઓએ કબુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, એએસઆઇ જે. વી. ગોહિલ, બીપીનદાન ગઢવી, હેડકોન્સ. અભીજીતસિંહ જાડેજા, ભાવીનભાઇ રતન, કરણભાઇ મારૂ, કોન્સ. ઇન્દ્રજીતસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

(11:36 am IST)