રાજકોટ
News of Thursday, 26th November 2020

ચીલઝડપના ગુનામાં આરોપીએ કરેલી જામીન અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ, તા. ર૬ : શહેરમાં જાગનાથ વિસ્તારમાં રહેતા વૃદ્ધા  મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતાં ત્યારે બાઇકમાં ધસી આવેલ શખ્સે વૃદ્ધાના ગળામાં રહેલા રૂ. ૧ લાખની કિંમતના સોનાના ચેનની ચિલઝડપ કરી હતી. ચિલઝડપના ગુનામાં આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

આ કેસની વિગત મુજબ શહેરના ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા મીનાબેન ભરતભાઇ ગાંધી નામના ૬૬ વર્ષના યુદ્ધા જાગનાથ પ્લોટમાં આવેલા મહાકાળી મંદિરથી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતાં તે દરમિયાન અજાણ્યો બાઇક ચાલક ધસી આવ્યો હતો અને વૃદ્ધાના ગળામાં રહેલા રૂ. ૧ લાખની કિંમતના સોનાના ચેનની ચિલઝડપ કરી નાસી છૂટયો હતો. વૃદ્ધાએ બાઇક નંબરના આધારે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બાઇક નંબર અને સીસીટીવી ફુટેજના આધારે ચીલ ઝડપના ગુનામાં આરોપી હર્ષ જયેશભાઇ માલવીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી હર્ષ માલવીએ જામીન મુકત થવા રેગ્યુલર જામીન અરજી કરી હતી જે અરજી અદાલતમાં ચાલવા ઉપર આવતા અધિક સેસન્સ જજ પ્રશાંત જૈનએ બંને પક્ષોની રજુઆતો અને દલીલોને ધ્યાને લઇ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે પી.પી. સમીર ખીરાએ ધારદાર દલીલ કરી હતી.

(3:36 pm IST)