રાજકોટ
News of Thursday, 26th November 2020

મ.ન.પા. દ્વારા માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ-ફેરિયાઓનો કોરોના ટેસ્ટ કેમ્પ : ૪ પોઝીટીવ

૨૩૨ લોકોના સ્ક્રીનીંગ અને ૧૮૮ લોકોના ટેસ્ટીંગ કરાયા : હેલ્થ ચેકઅપ બાદ ૨૨૮ લોકોને હેલ્થ કાર્ડ પણ ઇસ્યુ કર્યા

રાજકોટ,તા. ૨૬: શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે તા. ૨૬-૧૧-૨૦૨૦ ના રોજ આર.ટી.ઓ. ઓફીસ પાસે આવેલ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને યાર્ડમાં મજુરી કામ કરાતા શ્રમિકોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને તેમની દુકાનમાં કામગીરી કરાતા મજુરો તેમજ યાર્ડમાં મજુરી કામગીરી કરાતા શ્રમિકોનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરી કોરોના સામે વહેલું નિદાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કેમ્પમાં કુલ ૨૩૨ લોકોના સ્ક્રીનીંગ અને ૧૮૮ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી ૦૪ લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવશે તેમજ હેલ્થ ચેકઅપ બાદ ૨૨૮ લોકોને હેલ્થ કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.

માર્કેટિંગ યાર્ડ ખાતે નિયમિત લોકો પોતાની સામગ્રી લેવા જતા હોય છે. શાકભાજી તેમજ કરીયાણાના વેપારીઓનું તેમજ મજુરી કામ કરાતા શ્રમિકોનું હેલ્થ ચેકઅપ કરવાથી કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવી શકાય છે.

રાજકોટની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે લોકો પોતાની ખરીદી કરતી વખતે જે ધંધાર્થી પાસે હેલ્થ કાર્ડ હોય તેમની પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ધંધાર્થીનું હેલ્થ ચેકઅપ કરી તેમને હેલ્થ કાર્ડ આપવામાં આવેલ છે.

હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ સાફ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી છે. શકય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવું એ પણ ખુબ જરૂરી છે. તંત્રની કામગીરી સાથે લોકોનો પણ સહયોગ જરૂરી છે. 

(2:51 pm IST)