રાજકોટ
News of Thursday, 26th November 2020

દેવ દિવાળીએ ફટાકડા ફોડવા મામલે મારામારીઃ વૃધ્ધ પૂજારી સહિત બે ઘવાયા

માલધારી સોસાયટીમાં બનાવઃ વિરમ અને નરસીદાસ પાંડેને ઇજા

રાજકોટ તા. ૨૬: દેવ દિવાળીની રાતે માલધારી સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે માથાકુટ બાદ મારામારી થતાં વૃધ્ધ પૂજારી સહિત બે ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જુના યાર્ડ નજીક કાનાભાઇના ગાર્ડન પાછળ બાપા સિતારામ ચોક માલધારી સોસાયટીમાં રહેતાં અને મંદિરમાં સેવાપૂજા કરતાં નરસીદાસ ગોપાલદાસ પાંડે (ઉ.વ.૬૫)ને પડોશી વિરમ રાઠોડ, લાખા  અને રવિએ ઝઘડો કરી ઢીકા-પાટુ અને પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

સામા પક્ષે વિરમ લાખાભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) પણ પોતાના પર નરસીદાસ પાંડેએ ધારીયા-ધોકાથી હુમલો કરી ઇજા કર્યાની રાવ સાથે સારવાર લીધી હતી. નરસીદાસના કહેવા મુજબ ઘર પાસે વિરમ સહિતના ફટાકડા ફોડતા હોઇ નાની છોકરી ડરી જતી હોવાથી તેને દૂર જઇને ફટાકડા ફોડવાનું કહેતાં હુમલો કર્યો હતો. પોલીસે બંને પક્ષના નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:57 pm IST)